વડોદરા કોર્પોરેશનના વાહનોમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું: બે કર્મચારીની ધરપકડ
Vadodara Corporation : કોર્પોરેશનના જેટ મશીનનો ડ્રાઇવર છેલ્લા કેટલાક સમયથી ડીઝલ ચોરીને ત્રાહિત વ્યક્તિને વેચતો હોવાની વિગતો મળતા એસ.ઓ.જી પોલીસે વોચ રાખી ફતેપુરા પાસેના ભાટિયા પેટ્રોલ પંપ નજીક આવેલા કટારીયા ટ્રાન્સપોર્ટના ગોડાઉન પાસેથી ડીઝલ ચોરી કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
ગઈકાલે રાત્રે પોલીસ ત્રાટકી ત્યારે કોર્પોરેશનના વાહનનો કોન્ટ્રાક્ટનો ડ્રાઇવર આરિફ અલી આસિફ અલી કાદરી (આફરીન ફ્લેટ પાસે, સુએજ પંપ નજીક, યાકુતપુરા) અને ડીઝલ કારબામાં ભરી લઈ જતા હસન મિયા ઈસુબમિયા શેખ (મીનારા કોમ્પ્લેક્સ, સરસિયા તળાવ પાસે યાકુતપુરા) રંગે હાથ પકડાયા હતા.
પોલીસે જેટ મશીનમાં ડીઝલ કાઢવા માટે નાખેલી પાઇપ, પાંચ કારબા, ડીઝલની હેરાફેરી કરવા માટે થ્રી વ્હીલ ટેમ્પો અને બોલેરો, જેટ મશીન વગેરે મળી કુલ રૂ.18,00,000 ઉપરાંતનો મુદ્દા માલ કબજે કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં ડ્રાઇવર છેલ્લા એક વર્ષથી કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર બાલાજી સિક્યુરિટી સર્વિસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હોવાની અને ત્યાર પહેલા પણ અગાઉના કોન્ટ્રાક્ટમાં સાત વર્ષ સુધી કામ કર્યું હોવાની વિગતો ખોલી હતી. છેલ્લા બે મહિનાથી દર બે-ત્રણ દિવસે એક વખત 30 થી 40 જેટલું ડીઝલ ચોરીને રૂ.60 ના ભાવે વેચી દેવામાં આવતું હતું.