ડાયમંડ ઉદ્યોગમાં મંદીને પગલે રોજગારીનો કકળાટ: વેકેશન પગાર અને મજૂર કાયદા હેઠળ બોનસ પગારની ડાયમંડ વર્કર યુનિયનની માંગણી

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને પગલે રોજગારીનો કકળાટ: વેકેશન પગાર અને મજૂર કાયદા હેઠળ બોનસ પગારની ડાયમંડ વર્કર યુનિયનની માંગણી 1 - image


- છૂટા કરવામાં આવેલા કારીગરોનો સાચો આંકડો છુપાવવા છૂટક-છૂટક એટલે કે 25 થી 50 કારીગરોને છૂટા કરવામાં આવી રહ્યાનો આક્ષેપ
- ડેપ્યુટી લેબર કમિશ્નર અને ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થયના સંયુક્ત નિયામકને આવેદન આપ્યુ



સુરત

ડાયમંડ ઉદ્યોગમાં મંદીના પગલે આર્થિક રીતે પાયમાલ થનાર રત્નકલાકારોને વેકેશન પગાર અને મજૂર કાયદા હેઠળ બોનસ પગારની માંગણી કરતું આવેદન પત્ર ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ડેપ્યુટી લેબર કમિશ્નર અને ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થયના સંયુક્ત નિયામકને આપવામાં આવ્યું છે. ઉપરાંત છૂટા કરવામાં આવેલા કારીગરોને સાચો આંકડો જાહેર નહીં થાય તે માટે મોટાભાગની કંપની દ્વારા છૂટક-છૂટક એટલે કે 25 થી 50 કારીગરોને છૂટા કરી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો.

ડાયમંડ ઉદ્યોગમાં મંદીને પગલે રોજગારીનો કકળાટ: વેકેશન પગાર અને મજૂર કાયદા હેઠળ બોનસ પગારની ડાયમંડ વર્કર યુનિયનની માંગણી 2 - image
ડાયમંડ ઉદ્યોગ હાલ ભયંકર મંદીમાંથી પસાર થઇ રહ્યો હોવાથી રત્નકલાકારો બેરોજગાર બની રહ્યા છે. બેરોજગારીના કારણે આર્થિક ભીંસમાં મુકાતા રત્નકલાકારો આપઘાત કરી રહ્યા છે. ડાયમંડ વર્કર યુનિયનના જણાવ્યા મુજબ 16 મહિનામાં 65 રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું છે. જેથી રત્નકલાકારોને આપઘાત કરતા અટકાવવા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન ઉપર આર્થિક સહયોગના સતત કોલ આવી રહ્યા છે તેવા સંજોગોમાં જ સાતમ-આઠમનું 10 દિવસનું વેકેશન રાખવામાં આવશે તો રત્નકલાકારો ગુજરાન કેવી રીતે ચલાવશે ? તે અંગેનો પ્રશ્ન ઉઠાવી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ડેપ્યુટી લેબર કમિશ્નર અને ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થયના સંયુક્ત નિયામકને આવેદનપત્ર આપી જે કંપનીમાં વેકેશન આપવામાં આવી રહ્યું છે તે કંપનીના રત્નકલાકારોને વેકેશન પગાર આપવાની માંગણી કરી છે. ઉપરાંત લેબર વિભાગ દ્વારા સ્કોર્ડ બનાવી કારખાના અને કંપનીમાં તપાસ કરી વેકેશન પગાર અને મજૂર કાયદા હેઠળ બોનસ પગારથી વંચિત રાખનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગણી પણ કરી છે. યુનિયન દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઘણી કંપની દ્વારા આયોજન પૂર્વક છૂટક-છૂટક એટલે કે 25 થી 50 કારીગરોને છૂટા કરવામાં આવી રહ્યા છે. જેથી કારીગરોને છૂટા કરવાનો સાચો આંકડો જાહેર થાય નહીં અને વેકેશન જાહેર કર્યા બાદ કારખાના કે કંપનીઓ ખુલે એવા કોઇ અણસાર નથી. જેથી રત્નકલાકારોના ભવિષ્યને ધ્યાનમાં લઇ સ્કોર્ડ દ્વારા આ અંગે પણ તપાસ કરવાની માંગણી કરી છે.


Google NewsGoogle News