Get The App

આજથી બે દિવસ રત્નકલાકારો હડતાળ પર ઊતરશે, સરકાર તરફથી કોઈ જવાબ ન મળતાં નિર્ણય

Updated: Mar 30th, 2025


Google News
Google News
આજથી બે દિવસ રત્નકલાકારો હડતાળ પર ઊતરશે, સરકાર તરફથી કોઈ જવાબ ન મળતાં નિર્ણય 1 - image


Diamond Woker Strike : ડાયમંડ સીટી સુરત શહેરમાં રત્નકલાકારોની કફોડી બનેલી આર્થિક સ્થિતિ વચ્ચે સરકારમાં રજુઆતો કરવા છતા કોઇ નિવેડો નહીં આવતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 30મી માર્ચે સામુહિક હડતાળની જાહેરાત કરી હતી. જેને પગલે કલેકટર અને લેબર વિભાગે બેઠકો યોજી હતી, પણ સરકાર તરફથી બાદમાં કોઇ નિર્ણય નહી લેવાતા તા.30, 31 બે દિવસ હડતાળનો નિર્ણય લેવાયો છે. રવિવારે કતારગામથી હીરાબાગ સુધી રત્નકલાકારોની રેલી યોજાશે.

રેલીમાં પાંચ હજાર જેટલા રત્નકલાકારો જોડાવાની શક્યતા

સુરત ડાયમંડ વર્કર એસોસીએશન દ્વારા છેલ્લા એક મહિનાથી રત્નકલાકારોને કનડગતા પ્રશ્નોને લઇને જિલ્લા કલેકટરથી લઇને છેક મુખ્યમંત્રી સુધી રજુઆતો કરી છે. રત્નકલાકારોની માંગણી છે કે ડાયમંડ મજુરીના ભાવો વધારવા માટે ઉચ્ચસ્તરીય કમિટી બનાવવામાં આવે. રત્નકલાકારને આર્થિક સહાય, આપધાત કરનાર રત્નકલાકારાના પરિવારોને મદદ અને વ્યવસાય વેરો નાબુદ કરવામાં આવે અને સરકાર દ્વારા રત્નકલાકારો માટે જે પોઝીટીવ ચર્ચાઓ થાય છે તે પોઝીટીવ જાહેરાત કરે એવી માંગ કરાઇ રહી છે.

પરંતુ કોઇ સુખદ ઉકેલ આવ્યો નહીં હોવાથી આવતીકાલે રવિવારે 30 માર્ચ અને સોમવારે 31 માર્ચે બે દિવસ હડતાળની જાહેરાત કરવામાં આવી છે.  ડાયમંડ વર્કર એસોસીએશનના ભાવેશ ટાંકે જણાવ્યુ કે, અમે સરકારને પુરતો સમય આપ્યો પણ તેમના તરફે કોઇ નિર્ણય લેવાયો નથી જેથી હડતાળ પાડીને માંગણી અને લાગણી વ્યક્ત કરવા સિવાય વિકલ્પ નથી. તા.30 માર્ચે સવારે 9 કલાકે કતારગામ દરવાજાથી રત્નકલાકોની રેલી યોજાશે. રેલી નંદુદોશીની વાડી થઇ કિરણચોકથી વરાછા હીરાબાગ પહોંચી સંપન્ન થશે. રેલીમાં પાંચ હજાર જેટલા રત્નકલાકારો જોડાશે. સોમવારે લડતની આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે.

સુરત ડાયમંડ એસોસીએશન અને જીજેઇપીસી સામે રત્નકલાકારોમાં ભારે નારાજગી

રત્નકલાકારોએ બળાપો કાઢયો છે કે, હીરા ઉદ્યોગની બે મોટી સંસ્થા જેમ્સ એન્ડ જેવલર્સ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (જીજેઇપીસી) તથા સુરત ડાયમંડ એસોસિએશન તરફથી રત્નકલાકારો માટે કોઇ ચોક્કસ રણનીતિ કે સરકાર સમક્ષ રત્નકલાકારોની સમસ્યાઓનો યોગ્ય સ્તરે અને યોગ્ય રીતે ઉકેલ આવે એવા કોઇ પગલા ભરાયા નથી.  છેલ્લા અઢી વર્ષથી રત્નકલાકારોની સ્થિતિ કફોડી છતા ઉકેલ નહી આવતા આક્રોશ વધી રહ્યો છે. 

વિવિધ મજૂર સંગઠનોનો ટેકો, હીરાની નાની-મોટી પેઢીનું સમર્થન નહી

વિવિધ મજુર સંગઠનો સુરત સિલ્ક લેબર યુનિયન, ગુજરાત લેબર યુનિયન, સુરત લેબર યુનિયન, દક્ષિણ ગુજરાત સુગર કામદાર  યુનિયન, કાકરાપાર અણુમથક લેબર યુનિયન જેવા સંગઠનો તેમજ કોંગ્રેસ દ્વારા ડાયમંડ વર્કર યુનિયનની લડતને સમર્થન અને ટેકો આપ્યો છે.જોકે, રત્નકલાકારો કામ કરી રહ્યા છે તે હીરાની નાની-મોટી પેઢીના સંચાલકોએ લડતને સમર્થન આપ્યું નથી.

Tags :