દોઢ ટકા વ્યાજે પૈસા લેનાર હીરા વેપારીને ફાઈનાન્સર પિતા-પુત્ર સહિત ત્રણની ધમકી
ચાર વર્ષથી હમવતની પિતા-પુત્રને સમયસર પૈસા ચૂકવતા વેપારી આર્થિક ભીંસથી રૂ.10 લાખની સામે વ્યાજ સહિત રૂ.11.25 લાખ ચૂકવી શક્યા નહોતા
સિંગણપોર પોલીસે ફાઈનાન્સરની સાથે ધાકધમકી આપવા આવેલા રબારી યુવાનની ધરપકડ કરી
- ચાર વર્ષથી હમવતની પિતા-પુત્રને સમયસર પૈસા ચૂકવતા વેપારી આર્થિક ભીંસથી રૂ.10 લાખની સામે વ્યાજ સહિત રૂ.11.25 લાખ ચૂકવી શક્યા નહોતા
- સિંગણપોર પોલીસે ફાઈનાન્સરની સાથે ધાકધમકી આપવા આવેલા રબારી યુવાનની ધરપકડ કરી
સુરત, : સુરતના સિંગણપોર ચાર રસ્તા ખાતે રહેતા અને કતારગામ નંદુ ડોશીની વાડીમાં ઓફિસ ધરાવતા મૂળ બોટાદના હીરા વેપારીએ માસિક દોઢ ટકાના વ્યાજે લીધેલા રૂ.10 લાખની સામે વ્યાજ સહિત બાકી રૂ.11.25 લાખની ઉઘરાણી કરી હમવતની ફાઈનાન્સર પિતા-પુત્ર સહિત ત્રણે રાત્રે ઘરે આવી ધાકધમકી આપતા સિંગણપોર પોલીસે ગુનો નોંધી ફાઈનાન્સરની સાથે ધાકધમકી આપવા આવેલા રબારી યુવાનની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદ ગઢડાના અડતાળા ગામના વતની અને સુરતમાં સિંગણપોર ચાર રસ્તા અક્ષરદીપ સોસાયટી ઘર નં.એ/20 માં છેલ્લા એક વર્ષથી ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતા 38 વર્ષીય નિલેશભાઇ કાંતિભાઇ માણીયા છેલ્લા છ મહિનાથી કતારગામ નંદુ ડોશીની વાડી કેશરબા માર્કેટ ડાયમંડ હાઉસમાં ઓફિસ રાખી હીરાનો વેપાર કરે છે.હીરાના વેપારમાં પૈસાની જરૂર પડે ત્યારે તે હમવતની અને સુરતમાં કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ હાથી મંદિરની સામે સ્વર્ગ રેસિડન્સી 201 માં રહેતા ફાઈનાન્સર અરવિંદભાઇ નાગજીભાઇ વિઠાણી અને તેમના પુત્ર જતીન પાસે માસિક દોઢ ટકાના વ્યાજે પૈસા લેતા હતા અને તે વ્યાજ સહિત સમયસર આપી દેતા હતા.
જોકે, છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકડામણને લીધે તે ગત 25 એપ્રિલ બાદ અગાઉ લીધેલા રૂ.10 લાખની સામે 25 ઓગસ્ટ સુધીના રૂ.11.25 લાખ ચૂકવી શક્યા નહોતા.આથી ગત 25 નવેમ્બરના રોજ જતીન અને નિલેશભાઈની સોસાયટીમાં જ રહેતો તેનો પરિચિત નિમેશ નાગજીભાઇ દેસાઇ ( રબારી ) ( રહે.એ/16, શેરી નં.2, અક્ષરદીપ સોસાયટી, સિંગણપોર ચાર રસ્તા, સુરત ) નિલેશભાઈના ઘરે આવ્યા હતા અને રૂ.11.25 લાખની ઉઘરાણી કરી ચાર દિવસમાં આપી દેવા તાકીદ કરી હતી.જોકે, ચાર દિવસની રાહ જોવાને બદલે તે રાત્રે જ અઢી વાગ્યે જતીન અને નિમેશ કારમાં તેના ઘરે આવ્યા હતા અને ઘરના બારી-દરવાજા ખટખટાવી તેમને જગાડયા હતા.
ત્યાર બાદ બંનેએ અત્યારે જ પૈસા આપ તેવું દબાણ કરી ગાળો આપી ઘરેણાં આપી દે કે ઘરનું લોખંડ વેચી દે પણ પૈસા આપ કહી જતીને તેના પિતા સાથે ફોન પર વાત કરાવતા તેમણે પણ ધમકી આપી હતી.પૈસા નહીં હોય તો કિડની વેચીને આપી દે કહી પોલીસ કેસ કરશે તો પોલીસ પણ અમારું કશું બગાડશે નહીં તેમ કહેનાર પિતા-પુત્ર અને તેમના પરિચિત વિરુદ્ધ છેવટે નિલેશભાઇએ ગતરાત્રે સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નિમેશ દેસાઇની ધરપકડ કરી છે.જયારે ફાઈનાન્સર પિતા-પુત્ર ફરાર થઈ ગયા છે.વધુ તપાસ પીએસઆઈ એ.જી.ચોંધરી કરી રહ્યા છે.