જાંગડ પર લીધેલા 10 લાખના હીરા વેચી પેમેન્ટ નહી કરનાર હીરા દલાલને પાંચ વર્ષની સખતકેદ
મહિધરપુરાના વેપારી પાસેથી હીરા દલાલ તુષાર સવાણી વેચવા માટે હીરા લઇ ગયા બાદ પેમેન્ટ કે હીરા પરત કર્યા નહોતા
સુરત
મહિધરપુરાના વેપારી પાસેથી હીરા દલાલ તુષાર સવાણી વેચવા માટે હીરા લઇ ગયા બાદ પેમેન્ટ કે હીરા પરત કર્યા નહોતા
આજથી
પાંચેક વર્ષ પહેલાં મહીધરપુરા હીરા બજારના ફરિયાદી વેપારી પાસેથી જાંગડ પર 10 લાખના ડાયમંડનો માલ
વેચાણ માટે લઈ જઈને બારોબાર અન્ય વેપારીને વેચી મારી પેમેન્ટ કે ડાયમંડ પરત ન
આપીને ગુનાઈત ઠગાઈ વિશ્વાસઘાતના કારસા બદલ આરોપી હીરા દલાલને કોર્ટે દોષી ઠેરવી
પાંચ વર્ષની સખ્તકેદની સજા તથા ફરિયાદીને 10.30 લાખ વળતર
ત્રીસ દિવસમાં ચુકવવા હુકમ કર્યો છે.
મહીધરપુરા હીરા બજારમાં પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટમાં દુકાન નં.205માં એન.જી.ડાયમંડના નામે ડાયમંડનો ધંધો કરતા મૂળ ભાવનગર જિલ્લાના સણોસરાના વતની ફરિયાદી ઘનશ્યામ કાળુભાઈ લીંબાણી(રે.સાંઈ મિલન રેસીડેન્સી, સુદામા ચોક વરાછા)ના આરોપી હીરા દલાલ તુષાર અમરશીભાઈ સવાણી સાથે વર્ષ-2018માં સંપર્ક થયો હતો.જે દરમિયાન ફરિયાદી પાસેથી આરોપી હીરા દલાલે અન્ય પાર્ટીને ડાયમંડ બતાવવાના નામે રૃ.57.50 કેરેટના કુલ રૃ.10 લાખના ડાયમંડ જાંગડ પર લઈ ગયા હતા.આરોપીએ બારોબાર ડાયમંડ અન્ય વેપારીને વેચી મારીને ફરિયાદીને નાણાં કે ડાયમંડ પરત ન આપીને ગુનાઈત ઠગાઈ-વિશ્વાસઘાતનો કારસો રચ્યો હતો.
જે અંગે ફરિયાદી વેપારીએ તા.16-4-2019ના રોજ આરોપી દલાલ વિરુધ્ધ ડાયમંડ વેચાણના નામે લઈ જઈને પેમેન્ટ કે ડાયમંડ પરત ન આપીને ઈપીકો-406,409,420 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.જેથી મહીધરપુરા પોલીસે આરોપી તુષાર સવાણીની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.આ કેસની ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવતા ફરિયાદપક્ષે એપીપી મધુબેન મિયાત્રાની રજૂઆતો બાદ કોર્ટે આરોપીને પાંચ વર્ષની સખ્તકેદની સજા ફટકારતા હુકમ કર્યો હતો.
હીરા બજારમાં વિશ્વાસનું વાતાવરણ જળવાઇ રહે તે અને સમાજમાં દાખલો બેસે તે માટે મહત્તમ સજા ન્યાયના હિતમાં ઃ કોર્ટ
કોર્ટે જણાવ્યું હતું કે ડાયમંડ સીટી ગણાતા સુરતમાં સ્થાનિક
ધંધાકીય રીત રસમ મુજબ વિશ્વાસના આધારે હીરાના પડીકાની જાંગડ પર આપ લે થાય છે.જેના
નિયત સમયમાં પેમેન્ટ ચુકવવાનું હોય છે.પરંતુ જો આવા વિશ્વાસ પર ચાલતા ડાયમંડના
બજારમાં કોઈ વિશ્વાસઘાત કરીે પેમેન્ટ ચુકવ્યા વિના હાથ ઉંચા કરી દે તો ફરિયાદી તથા
સાક્ષીઓના નાણાં ફસાઈ જાય છે.જેના કારણે હીરા બજારમા વિશ્વાસનું વાતાવરણ જળવાઈ રહે
તથા સમાજમાં દાખલો બેસે તે રીતે આવા કેસમાં આરોપીને મહત્તમ સજા કરવી ન્યાયના
હિતમાં છે.