વડોદરા નજીકના ગામમાં રહીને અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ સ્કિલ ઓલિમ્પિકમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો
Vadodara News : વડોદરા નજીકના નાનકડા સાકરદા ગામના રહેવાસી અને એન્જિનિયરિંગના વિદ્યાર્થી ધ્રુમિલ ગાંધીએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશન એટલે કે સ્કિલ ઓલિમ્પિકમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. ધ્રુમિલ અને તેના સાથીદાર અને મૂળે કેરાલાના સત્યજિથ બાલાક્રિષ્નને સ્કિલ ઓલિમ્પિકની ઈન્ડસ્ટ્રી 4.0 કેટેગરીની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કેટેગરીમાં ભારત પહેલી વખત કોઈ મેડલ જિત્યું છે.
ફ્રાન્સમાં 11 થી 14 સપ્ટેમ્બર દરમિયાન સ્કિલ ઓલિમ્પિકનું આયોજન થયું હતુ. જેમાં સ્કિલ પર ફોકસ કરતી અલગ અલગ 52 પ્રકારની કેટેગરીમાં સ્પર્ધાઓનું આયોજન થયું હતું. ભારતના સ્પર્ધકોએ કુલ ચાર બ્રોન્ઝ મેડલ જીત્યાં છે અને તેમાં ગુજરાતની ટીમ ધ્રુમિલ અને સત્યજીથનો સમાવેશ થાય છે.
સ્કિલ ઓલિમ્પિકમાં ભાગ લેતા પહેલા તેમણે રાષ્ટ્રીય સ્તરે બીજા 10 રાજ્યોની ટીમ સાથે સ્પર્ધામાં ઉતરવું પડયું હતુ. જેનું આયોજન ભારત સરકારના નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરાયું હતુ. જેમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યા બાદ ધ્રુમિલ અને સત્યજીતની પસંદગી સ્કિલ ઓલિમ્પિક માટે થઈ હતી.
ધ્રુમિલ કહે છે કે, ઈન્ડસ્ટ્રી 4.0 ની કેટેગરીમાં અમને ઈન્ડસ્ટ્રીની મશિનરીને ઈન્ડસ્ટ્રીમાં હાજર રહ્યા વગર બીજી જગ્યાએથી ઓપરેટ કરવાની અને તેની સાથે સાથે કયું મશિન ભવિષ્યમાં ક્યારે ખરાબ થઈ શકે છે તેનું અનુમાન કરવાની ટેકનોલોજી ડેવલપ કરવાની ચેલેન્જ આપવામાં આવી હતી. અમારે ચાર દિવસમાં આ કામ પૂરું કરવાનું હતુ. ભારત સહિત 21 દેશોની ટીમોએ તેમાં ભાગ લીધો હતો. ચોથા દિવસના ટાસ્કમાં એક નાનકડી ભૂલના કારણે અમે થોડા પાછળ રહી ગયા હતા. જેના કારણે ગોલ્ડ મેડલ ચીનની, સિલ્વર મેડલ સ્વિત્ઝરલેન્ડની ટીમના ફાળે ગયો હતો. આ કેટેગરીમાં ભારત પહેલી વખત કોઈ મેડલ જીત્યું છે.
ધ્રુમિલ અને સત્યજીત હાલમાં ગાંધીનગર ખાતે ઈન્ટરનેશનલ પ્રોફેશનલ ઈન સ્માર્ટ મેન્યુફેકચરિંગના માસ્ટર પ્રોગ્રામમાં અભ્યાસ કરી રહ્યા છે.
- ગત વર્ષે ભારત છેલ્લા સ્થાને રહ્યું હતું
ઈન્ડસ્ટ્રી ઓટોમેશનની સ્કિલને દર્શાવવા માટેની સ્પર્ધામાં ભારતની ટીમે ગત વર્ષે પણ ભાગ લીધો હતો. જેમાં કુલ આઠ દેશ હતા અને ભારતીય ટીમ આઠમા સ્થાને રહી હતી. જોકે આ વખતે ભારતની ટીમ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી છે. સ્કિલ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ 2019માં મળ્યો હતો. સ્કિલ ઓલિમ્પિક દર બે વર્ષે યોજાય છે. આ વર્ષે 47મી સ્કિલ ઓલિમ્પિક યોજાઈ હતી. ભારતનું નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ભારતના સ્પર્ધકોને તેમાં મોકલે છે.
- પિતાનું અવસાન થયા બાદ ઉચ્ચ અભ્યાસ માટે લોન લેવી પડી
ભારત માટે મેડલ જીતનાર ધ્રુમિલ કહે છે કે, ઉચ્ચ અભ્યાસ માટે મારે ભારે સંઘર્ષ કરવો પડયો છે. મારા પિતાનું 2013માં અવસાન થયું હતું. હાલમાં મારા મમ્મી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મારી બહેન આર્કિટેકચરનો અભ્યાસ કરે છે. મારે ધો.12 પછી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાનો હતો. માર્ક સારા હોવાથી મને ફ્રી સીટ પર એડમિશન તો મળી ગયું હતું પણ સાકરદાથી કોલેજ સુધીના ટ્રાન્સપોર્ટશન માટે મારે લોન લેવી પડી હતી. વડોદરાની સંસ્થાએ મને વગર વ્યાજની લોન આપી હતી અને પાછળથી તેનો મોટો હિસ્સો સ્કોલરશિપમાં ફેરવી આપ્યો હતો.