Get The App

મિનિ બસ અને ગેસ સિલિન્ડર ભરેલા ટ્રક વચ્ચે અકસ્માતમાં ધોરાજીની મહિલાનું મોત

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
મિનિ બસ અને ગેસ સિલિન્ડર ભરેલા ટ્રક વચ્ચે અકસ્માતમાં ધોરાજીની મહિલાનું મોત 1 - image


રાજકોટ -ગોંડલ નેશનલ હાઈવે પર ભુણાવા ગામ પાસે બનેલો બનાવ

બસ ચાલક સહિત આઠ મુસાફરોને ગંભીર ઈજાઃ અન્ય ઈજાગ્રસ્તોને ઈમરજન્સી દરવાજો ખોલી બહાર કઢાયા

ગોંડલ :  અકસ્માત માટે કુખ્યાત ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ભુણાવા પાસે બપોરે રાજકોટથી ઉપલેટા જઈ રહેલ ખાનગી ટ્રાવેલ્સની મિનિ બસ અને ઇન્ડિયન ગેસના બાટલા ભરેલ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં  ધોરાજીના મહિલાનું મોત નિપજ્યું હતું. તેઓ રાજકોટની સિવિલમાં ડાયાલીસીસ કરાવીને ધોરાજી પરત ફરી રહ્યા હતા. જ્યારે ખાનગી બસના ડ્રાઇવર- કંડકટર સહિત ૮ મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલ મુસાફરોને ગોંડલ તથા રાજકોટની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા હતા. ઈજાગ્રસ્તોને ખાનગી બસના ઈમરજન્સી દરવાજો ખોલી બહાર કાઢવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર છેલ્લા છ - આઠ માસથી સિક્સલેનનું કામ ચાલી રહ્યું છે પરિણામે ટ્રાફિકનું ભારણ પણ વધ્યું છે .દરમિયાન રાજકોટ થી મુસાફરોને ભરી ઉપલેટા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની મિનિ બસ અને ગોંડલ તરફથી રાજકોટ તરફ ઈન્ડિયન ગેસના બાટલા ભરીને જતા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં આ અકસ્માતમાં ધોરાજીના બસસ્ટેન્ડ પાછળ રહેતા કીડની પેશન્ટ રશ્મિતાબેન મુકેશભાઈ વઘાસિયા નામની મહિલાનું મોત નિપજ્યું હતું.તેઓ ડાયાલીસીસ કરાવીને ધોરાજી પરત ફરી રહ્યા હતા.

 આ ઉપરાંત બસના ડ્રાઇવર રસીદભાઈ અમનભાઈ ખલીફા (ઉં.વ.૪૭) (રહે ધોરાજી), કંડકટર ભરતભાઈ નટુભાઈ રાવલ (ઉં.વ.૫૦) (રહે .ઉપલેટા) તેમજ બસમાં મુસાફરી કરી રહેલા પ્રભાબેન હરિભાઈ માકડીયા( ઉં.વ.૫૫)( રહે રાજકોટ)ઘાયલ થતા સારવાર માટે ગોંડલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ તેમજ સાથી સદસ્યો ઘાયલોની સેવાના કામે લાગ્યા હતા. આ ઉપરાંત ઘાયલ થયેલા વધુ ૪ થી ૫ મુસાફરાને ઘટના સ્થળેથી જ રાજકોટ ખસેડાયા હતા. બનાવના પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાતા તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.ટ્રાફિક જામ હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News