ધોરાજી ભાજપની ઉમેદવારનો દારૂ પીતો,ધુમ્રપાન કરતો વિડીયો વાયરલ
ગુજરાત ભાજપના મોવડીઓની ઉમેદવાર માટે આવી પસંદગી છે : વોર્ડ નં. 9માં ચૂંટણી લડતી મહિલાએ શરાબની દુકાનમાં ફોટો પડાવી શૅર કર્યો : અગાઉ અનેકવાર આવા વિડીયો પોસ્ટ કર્યા છે
રાજકોટ, : આગામી તા. 16 ફેબુ્રઆરીએ અન્ય સુધરાઈ સાથે યોજાનાર ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં મહિલા અનામત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉભેલા એક મહિલાનો પાશ્ચાત્ય વસ્ત્રોમાં શરાબની દુકાનમાં હાથમાં દારૂની બોટલ લઈને તથા હુક્કામાંથી ધુમ્રપાન કરીને ધુમાડાના ગોટા છોડતા વિડીયો આજે સોશ્યલ મિડીયામાં વાયરલ થતા ચકચાર જાગી છે.
આ મહિલાને વોર્ડ નં.9માં ઉમેદવાર તરીકે ટિકીટ આપ્યાનું બહાર આવતા ભાજપ સામે સવાલો ઉઠયા છે.વળી, આ મહિલા મૂળ ધોરાજીના નહી પણ બહારના આયાતી ઉમેદવાર હોવાની પણ ચર્ચા છે. ખુદ મહિલાએ પોતે શૅર કરેલા વિડીયોમાં એકમાં માબાપથી વધુ પ્યાર કોને કરો છો? તેવા સવાલના ઉત્તરમાં નોટના બંડલ દેખાડીને પૈસા...પૈસા...એ ગીત ગાતો વિડીયો પણ બહાર આવ્યો છે.
ભાજપના મોવડીઓએ ખૂબ વિચારીને બેકગ્રાઉન્ડ ચેક કરીને ટિકીટ માટે લાંબી કતારો હતી તેમાંથી ઉમેદવારો વીણી વીણીને પસંદ કર્યા છે ત્યારે ભાજપના આજના આ મોવડીઓની પસંદગી આવી જ છે તે ચર્ચા જાગી છે. ઉમેદવારો પસંદ કરતા પૂર્વે ન્યુનત્તમ 500 સભ્યો બનાવવાની વાતો પણ થઈ હતી તેનું પણ પાલન થયું નથી. ભાયાવદરમાં ભાજપના આગેવાનો કોંગ્રેસ સામે જઈને ભાજપ સામે લડાઈમાં ઉતર્યા છે. શિસ્ત અને સંસ્કાર અને નીતિમત્તા જેવા શબ્દોને જાણે કે જમીનમાં ભંડારી દઈને ભાજપને માત્ર સત્તા સત્તા અને સત્તામાં જ રસ હોય તેમ જુનાગઢમાં લોકશાહી ઢબે જંગ લડવાને બદલે પક્ષપલ્ટો કરાવતા ખુદ જનસંઘના વરિષ્ઠ નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું હતું.ઉપરાંત શિસ્તતળે દબાયેલા ભાજપના નેતાઓની પીડા જાણે કે તાજેતરમાં અમરેલી બાદ રાજકોટ,ધ્રોલમાં પત્રકાંડથી વ્યક્ત થઈ છે.