ડીઝલના વેચાણના પરવાના માટે PIએ આઈફોનની માગી લાંચ, ACBએ રંગે હાથ ઝડપ્યો
Dholai Marine Police Station PI : નવસારી જિલ્લાના ધોલાઈ બંદરે છૂટક ડીઝલ-ઓઈલનું વેચાણ કરતાં વેપારીઓ પાસે વેચાણના પરવાના માટે ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PIએ આઈફોનની માગ કરી હતી. સમગ્ર ઘટનાને લઈને વેપારીએ ACBને જાણ કરતાં પોલીસની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો.
PIએ ડીઝલના વેચાણના પરવાના માટે આઈફોનની માગી લાંચ
ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનના PI દિનેશ જમનાદાસ કુબાવત ધોલાઈ બંદર ખાતે ડીઝલ/ઓઈલના વેચાણનો પરવાનો ધરાવતા વેપારીને પોલીસ સ્ટેશન બોલાવે છે અને 'તમારે છૂટક ડીઝલનું વેચાણ કરવું હોય તો મારો વ્યવહાર કરવો પડશે, નહીતર તમારો ધંધો બંધ કરાવી દઈશ' એમ કહીને વેપારી પાસેથી આઈફોનની માંગણી કરી હતી.
સમગ્ર ઘટનાને લઈને વેપારીએ ACBને જાણ કરી હતી, આ પછી ACBએ લાંચનું છટકું ગોઠવીને 1.44 લાખની કિંમતના આઈફોન સાથે PIને રંગે હાથે પકડી પાડ્યો હતો. જાણવા મળ્યું હતું કે, આરોપી PI ટૂંક સમયમાં રિટાર્ડ થવાનો હતો. જ્યારે ACBએ આ લાંચ લેવાના કેસમાં આરોપી PI સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.