ભગવાન શ્રીકૃષ્ણ યોગેશ્વરના ગોલોકગમન પ્રસંગે પ્રભાસક્ષેત્રમાં ધર્મ વંદના થશે

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
ભગવાન શ્રીકૃષ્ણ યોગેશ્વરના ગોલોકગમન પ્રસંગે પ્રભાસક્ષેત્રમાં ધર્મ વંદના થશે 1 - image


યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત...એવા કોલ વચન આપનાર : ચૈત્ર સુદ એકમ તા. 9ના રોજ  સોમનાથના ગીતા મંદિરમાં મંગળાઆરતી,  નૂતન ધ્વજારોહણ, વિષ્ણુ યાગ, ગીતાપાઠ, ચરણપાદુકા પૂજન સહિતના કાર્યક્રમો

પ્રભાસપાટણ, : મથુરાની જેલમાં પ્રાગટય  પામી અનેક લીલાઓ કરીને ભગવાન શ્રીકૃષ્ણ યોગેશ્વરે દ્વારિકાના રાજા બનીને આખરે સૌરાષ્ટ્રની પાવન પ્રભાસભૂમિમાં નીત્યલીલા કરીને ગોલોકધામ પ્રસ્થાન કર્યું હતુ. આ નિમિતે દર વર્ષની માફક પ્રભાસક્ષેત્રમાં સોમનાથના સાન્નિધ્યમાં હીરણ નદીના કાંઠે ગોલોકધામ દેહોત્સર્ગ ખાતે ગોલોકધામ ઉત્સવ ઉજવાશે.

વિશ્વને ગીતા થકી જીવન જીવવાની કળા અને જીવનના સત્યો સમજાવનાર ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે નદી અને સમુદ્ર સાથે જ વણાયેલા છે. એમનો જન્મ યમુના નદીના કાંઠે ગોકુળ મથુરામાં થયો, એેણે સાગરકિનારે દ્વારિકા નગરી વસાવી અને સાગરકિનારે જ પ્રભાસક્ષેત્રમાં દેહોત્સર્ગ કર્યો એ ડાકોરમાં હોય તો પણ નદી અને લગ્ન થયા હોય એ સ્થળે પણ માધવપુરમાં દરિયો, પુરીમાં જગન્નાથ સ્વરૂપે સાગરકાંઠે એમનું સ્થાન આ બધા સંયોગો રોચક છે. પ્રભાસક્ષેત્રમાં દર વર્ષે હીરણ નદીના કાંઠે ગોલોકધામ દેહોત્સર્ગ ખાતે પ્રસ્થાન મહોત્સવ ઉજવાશે. આ દિવસે ગીતા મંદિરે મંગળા આરતી, નૂતન ધ્વજારોહણ, વિષ્ણુયાગ યજ્ઞા, ગીતાપાઠ, ચરણપાદુકા પૂજન, અભિષેક અને મધ્યાહ્ન બપોરના બે વાગ્યાને સત્યાવીસ મિનિટ અને ૩૦ સેકન્ડે શંખનાદ, ઝાલર રણકાર, બાંસુરી વાદન, અને પવિત્ર મંત્રોચ્ચાર સાથે ચરણપાદુકા પૂજન, આરતી તથા સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સહસ્ત્ર દીપમાળાની આરતી. સહિતના કાર્યક્રમો આયોજિત થયા છે. 

અગાઉ 2004ની સાલમાં શ્રીમદ શંકરાચાર્યજીએ જુદા જુદા ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કરીને  ધોષિત કર્યુ હતુ કે ભગવાન શ્રીકૃષ્ણે પ્રભાસના દેહોત્સર્ગ સ્થળેથી તે સમયના શુક્રવાર ચૈત્ર સુદ એકમ તા. 18 ફેબુ્રઆરી 3102 ( ઈ.સપૂર્વ) મધ્યાહ્નના બપોરે બે વાગ્યાને સત્યાવીસ મીનિટ અને ૩૦ સેકન્ડે અહીથી સ્વધામ ગમન કર્યું હતુ. આ તિથિને સોમનાથ ટ્રસ્ટે સ્વીકૃતિ આપી વર્ષ 2005થી દર વર્ષે ચૈતર સુદ એકમે ગોલોકધામ ઉત્સવ ઉજવાય છે. શ્રીમદ ભાગવત ગ્રંથમાં અગિયારમાં સ્કંધમાં 30માં અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ સ્વધામ લીલાનું વિસ્તૃત વર્ણન આલેખન થયું છે. ભગવાન શ્રીકૃષ્ણની યાદ આપતા સોમનાથ ખાતે એમની ચરણપાદુકા અને ગીતામંદિર અને ભાલકા ખાતે ભાલકા મંદિર આવેલા છે.  એક માન્યતા અનુસાર દિવ્ય ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને મહાપ્રસ્થાન કર્યું હતુ અને એમની વિદાય સાથે જ કળિયુગનો આરંભ થયો હતો.


Google NewsGoogle News