ધનતેરસ તા. 10ના શુક્રવારે પણ દ્વારકા મંદિરમાં તા. 11ના ઉજવાશે

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
ધનતેરસ તા. 10ના શુક્રવારે પણ  દ્વારકા મંદિરમાં તા. 11ના ઉજવાશે 1 - image


અર્ધો અર્ધો દિવસ તિથિની મ્હોંકાણ, એકાદશી-બારસ એક દિવસે : ધોકા- સોમવારે બપોર સુધી અમાસ છે ત્યારે દ્વારકાધીશ મંદિરે આ દિવસે સાંજે  5થી 7 અન્નકૂટ દર્શન : સૌરાષ્ટ્રમાં લોકો સોમવાર સાંજથી સાલમુબારક કરશે 

રાજકોટ, : વધુ એક દિપાવલી પર્વે ધોકાની મ્હોંકાણ સર્જાઈ છે.તા. 12ના બપોર સુધી ચૌદશ, તા. 13ના બપોર સુધી અમાસ હોવાથી દિપાવલી પર્વ શ્રૂંખલા ઉજવવામાં મુંઝવણના પગલે ધનતેરસ તો વ્યાપક રીતે તા. 10ને શુક્રવારના શુભ દિવસે જ ઉજવાશે પરંતુ, દ્વારકાધીશ જગત મદિરમાં આજે જારી વિગત મૂજબ ત્યાં ધનતેરસ તા. 11ને શનિવારે મનાવાશે. 

વિગત એવી છે કે દિપાવલી એક દિવસનો તહેવાર નહીં પરંતુ, સળંગ સાત દિવસની પર્વ શ્રૂંખલા હોય છે જે એકાદશીથી શરૂ થાય છે. આ વર્ષે તા. 9ના રમા એકાદશીની સાથે જ વાઘબારસ ,ગોવત્સ દ્વાદશી પણ છે. જ્યારે તા. 10ના શુક્રવારે ભારતીય કેલેન્ડરો તથા શાસ્ત્રીજીઓના મતે ધનતેરસ ઉજવવાની થાય છે. તા. 11ના શનિવારે કાળી ચૌદશ છે પરંતુ, તા. 12ના રવિવારે બપોરે 2.46 સુધી ચૌદશ રહે છે અને તેથી કેટલાકના મતે અને દ્વારકાધીશ મંદિરના સમયપત્રક મૂજબ તા. 12ના રૂપચૌદશ અને દિપાવલી સાથે  ઉજવાય છે. જો કે મોટાભાગના લોકો શનિવારે કાળી ચૌદશ ઉજવવાના છે. 

રવિવારે દિપાવલીપછી સોમવારે બપોરે 2.58 સુધી અમાસ છે. અર્થાત્ આસો વદ અમાસ એ જ દિવાળી હોય છે અને વળી આ વખતે સોમવતી અમાસ છે. તેથી સોમવાર તા. 13ના ધોકો જાહેર કરાયો છે. જો કે સાંજે અમાસ પૂરી થઈને એકમ બેસતા સાથે લોકો સાલમુબારક, વડીલોને વંદન વગેરે કરી શકે છે.  વિક્રમ સંવંત 2080ની શરૂઆત તા. 14-11-2023ના થશે. વર્ષની શરૂઆત કારતક સુદ એકમના દિવસે થાય છે પરંતુ, વર્ષના પ્રથમ દિવસે જ એકમની સાથે બીજ છે જે ભાઈબીજ તરીકે ઉજવાશે.  સૌરાષ્ટ્રના મંદિરોમાં બેસતાવર્ષના દિવસે અન્નકૂટ ધરાવવવાની સદીઓ જુની પરપરા છે. આ મૂજબ નવું વર્ષ તા. 14ના છે પરંતુ, દ્વારકાધીશ મંદિરમાં તા. 13ના સાંજે 5થી 7 અન્નકૂટ  દર્શન રખાયેલ છે અને મંદિરમાં ભાઈબીજ તા. 14ને બદલે તા. 15ના  મનાવાશે. 



Google NewsGoogle News