બનાસકાંઠામાં રાખવાના વિરોધમાં ધાનેરા સજ્જડ બંધ, 21 દિવસથી ચાલી રહ્યો છે વિરોધ
Dhanera Bandh : બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે, ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા માટે છેલ્લા 21 દિવસથી વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં વધાવત રાખવા આજે ધાનેરાવાસીઓએ સજ્જડ બંધ પાળ્યો છે. અને તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા જનઆક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ધાનેરાના વેપારીઓએ દુકાનો બંધ રાખી આ બંધને સમર્થન પુરૂ પાડ્યું છે. ધાનેરાને બનાસકાંઠામાં રાખવા સ્થાનિક ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને સ્થાનિક રહીશો ઉગ્ર માંગ કરી રહ્યા છે.
ધાનેરાને પાયમાલ કરવાનું ઘોર ષડયંત્ર : પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત
ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે કહ્યું હતું કે ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટે કાર્યક્રમ અપાયો છે. કોઇપણ ભોગે બનાસકાંઠામાં જ રહીશું. આપડે ગમે ત્યારે પ્રજા વચ્ચે જવું પડશે. આ સભા ધાનેરાને થયેલા ઘોર અન્યાયના વિરોધમાં છે. થરાદ જિલ્લો બને તેની સામે કોઇને વાંધો નથી. જો ધાનેરા તાલુકાનો વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તો ધાનેરાના શહેરીજનો અને ગ્રામ્યવાસીઓને આર્થિક અને શૈક્ષણિક સહિતની સુવિધાઓની વંચિત કરીને પાયમાલ કરવાનું ઘોર ષડયંત્ર છે. ધાનેરાવાસીઓએ આ વિષયને સમજીને આવનાર બાળકોના ભવિષ્ય માટે જાતિ-નાતી અને રાજકીય ભેદભાવોને ભૂલાવીને એકસાથે ભેગા મળીને આની સામે અવાજ ઉઠાવવાની જરૂર છે. આ જંગ તમામ સમાજનો સાર્વજનિક છે.
નેગાળા, અનારપુરા ગઢ સહિતના ગામોની સ્થાનિક ગ્રામપંચાયતમાં ગ્રામજનો ભેગા થઇ એક જ સૂર પુરાવ્યો હતો કે બનાસકાંઠા જિલ્લામાં જ રહીશું તેમજ અન્ય ગામોમાં પણ વાવ-થરાદ જિલ્લાનો સખત વિરોધ થઈ રહ્યો છે. જિલ્લા વિભાજન બાબતેની રજૂઆત આ પંથકમાં આક્રમક બની રહી છે.
ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં યથાવત રાખવા માટે આજે આક્રોશ જનસભા યોજાશે. ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં સ્થાનિક ગ્રામજનો ભેગા થઇ પોતાની રજૂઆત સરકાર સમક્ષ મૂકી રહ્યા છે. જિલ્લા વિભાજન બાબતેની રજૂઆત આક્રમક બની રહી છે. ધાનેરા તાલુકાના સરહદ પર આવેલા નેગાળા ગામ તથા અનાપુર ગઢ તથા તાલુકાના અન્ય ગ્રામજનો પોત પોતાના ગામમાં ગ્રામ પંચાયત આગળ તથા નેગાળાના લોકોએ શિવ મંદિરમાં બેઠક કરી હતી. જેમાં વિવિધ સમાજ ઉપરાંત પૂર્વ સરપંચ સહિતના આગેવાનોની હાજરી જોવા મળી હતી.
મુખ્ય રજૂઆત ગ્રામજનોની છે કે ધાનેરા તાલુકો બનાસકાંઠા જિલ્લામાં રહેવો જોઇએ. તેમન ખીંમત, બાપલા, જિલ્લા પંચાયતની સીટમાં આવતા ગામો પણ ધાનેરા તાલુકામાં રહેવા જોઇએ. આ મામલે શહેરથી લઇને ગ્રામીણ વિસ્તારો દ્વારા ઉગ્ર રજૂઆત થઇ રહી છે.