બનાસકાંઠા વિભાજન મુદ્દે સતત ચોથા દિવસે વિરોધ પ્રદર્શન, ધાનેરાવાસીઓએ બંધ પાળી રેલી કાઢી
Banaskantha Partition Controversy : નવા વર્ષમાં રાજય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 8 તાલુકાનો સમાવેશ કરીને નવો વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી હતી. જેમાં અસમતોલ વિભાજન અને સ્થાનિક લોકોના મત જાણ્યા વિના વિભાજન કરી દેવાયું હોવાના સૂર ઉઠ્યા છે. નવરચિત જિલ્લામાં સમાવેશ કરવામાં આવેલા કાંકરેજ, ધાનેરા અને દિયોદર તાલુકાની પ્રજાએ બનાસકાંઠામાં રહેવાની માંગ સાથે વિરોધ નોધાવ્યો છે. ત્યારે આજે ધાનેરાવાસીઓએ પોતાના વેપાર ધંધા સજ્જડ બંધ રાખીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે.
વિભાજનના ચોથા દિવસે આજે હિત રક્ષક સમિતિ દ્વારા ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું છે અને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી શિહોરી-થરામાં અલગ-અલગ જગ્યાએ સ્વંભૂ બંધ પાળવામાં આવ્યો હતો. ત્યારે હવે શિહોરી, થરા બાદ ધાનેરાવાસીઓએ પણ રોજગાર-ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો અને ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. ધાનેરાના નગરજનોએ જુના બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી હતી. જેમાં ધાનેરાના રાજકીય નેતાઓ, વેપારીઓ સહિત નગરજનો જોડાયા હતા. આ દરમિયાન ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવાની માંગ સાથે નારેબાજી કરી હતી.
ભૌગોલિક દ્રષ્ટિએ થરાદ અનુકૂળ નથી
ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઇએ પણ કહ્યું કે, ધાનેરાની પ્રજા વર્ષોથી બનાસકાંઠા જિલ્લા અને પાલનપુર સાથે જોડાયેલી હતી. છેલ્લા એક મહિનાથી વિભાજનની વાતો ચાલતી હતી ત્યારે ધાનેરાના સર્વ સમાજનો આગ્રહ હતો કે અમારે અનુકૂળ પાલનપુર છે એટલા માટે મને પણ વાત કરી હતી. તેના ભાગરૂપે મેં મુખ્યમંત્રી સાથે મુલાકાત પણ કરી હતી અને પત્ર પણ લખ્યો હતો. જ્યારે પણ વિભાજનની વાત આવે ત્યારે ધાનેરાની પ્રજા અહીંથી છેડ ખિંમત, બાપલા અને વાછોલની જનતાને થરાદ 80-85 કિલોમીટર દૂર પડે. તેથી ભૌગોલિક દ્રષ્ટિએ પણ થરાદ જવાની અનુકૂળતા રહેતી નથી. તો બેંક અને ડેરી સહિતના તમામ વહીવટી કામો માટે પાલનપુર સાથે ધાનેરા જોડાયેલું છે.
દિયોદરને વડુ મથક બનાવી નવા જિલ્લાને ઓગડ નામ આપવામાં માંગ
ધાનેરા અને કાંકરેજ તાલુકાને ફરીથી જૂના બનાસકાંઠામાં સમાવવા તેમજ દિયોદરને વડુ મથક જાહેર કરી નવા જિલ્લાને ઓગડ નામ આપવાની માંગણી લોકોમાં ઉઠવા પામી છે. નવા વાવ-થરાદ જિલ્લામાં વાવ, થરાદ, દીયોદર, લાખણી, ધાનેરા, ભાભર, સુઈગામ, કાંકરેજ તાલુકાઓનો સમાવેશ કરાયો છે. તેમજ જૂના બનાસકાંઠા જિલ્લામાં ડીસા, દાંતા, વડગામ, અમીરગઢ, દાંતીવાડા, પાલનપુર તાલુકાને યથાવત રાખવામાં આવ્યા છે. નવરચિત વાવ-થરાદ જિલ્લામાં ધાનેરા અને કાંકરેજ તાલુકાનો સમાવેશ કરી દેવાતા આ વિસ્તારના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જેના પ્રત્યાઘાતરૂપે છેલ્લા ત્રણ દિવસથી ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
શિહોરી, ધાનેરા, કાંકરેજ, થરાના ખેડૂતો અને વેપારીઓએ પોતાના રોજગાર બંધ રાખીને વિરોધ પ્રગટ કર્યો હતો. જયારે રેલીઓ યોજીને સ્થાનિક કક્ષાએ મામલતદારને આવેદન પાઠવી બન્ને તાલુકાઓને જૂના બનાસકાંઠામાં સમાવવા માંગણી કરી છે. ઉપરાંત, દિયોદરને જિલ્લાનું વડુ મથક બનાવી ઓગડ જિલ્લો જાહેર કરવાની પ્રજાની વર્ષો જુની માંગણીની અવગણના કરવામાં આવતાં વેપારીઓએ આ નિર્ણયનો વિરોધ દર્શાવી સજ્જડ બંધ પાળ્યું હતું.
કાંકરેજના ધારાસભ્યને આ નિર્ણયને ખોટો ઠેરવ્યો
કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે. સરકારે કોઈપણ ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આ નિર્ણય લીધો છે. કાંકરેજ તાલુકાનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં થવો જોઈએ.
ધાનેરાના લોકોને થરાદ વિસ્તાર અનુકૂળ નથી
આ તરફ ધાનેરાનો પણ વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે પણ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ધાનેરા તાલુકાના લોકોને વાવ-થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે. ધાનેરાવાસીઓ માટે થરાદ અનુકૂળ વિસ્તાર નથી. જો ભવિષ્યમાં લોકો સરકારના આ નિર્ણયના વિરોધમાં આંદોલન કરશે તો કોંગ્રેસ તેમની સાથે ઊભી રહેશે.
ઉલ્લેખનીય છે કે, જૂના બનાસકાંઠાના 14 તાલુકાનું વિભાજન કરીને રાજય સરકાર દ્વારા 8 તાલુકાનો સમાવેશ કરીને નવો વાવ-થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે. પરંતુ આ નિર્ણય અગાઉ સ્થાનિક લોકો અને રાજકીય આગેવોના અભિપ્રાય લેવાયા ન હોવાનો દાવો કરાઈ રહ્યો છે. લોકોમાં ઉઠેલા વિરોધના વંટોળ વચ્ચે ધાનેરા, કાંકરેજ, દિયોદર પંથકના ભાજપના આગેવાનોએ પણ જિલ્લાની વિભાજન પ્રક્રિયામાં રહેલી ક્ષતિઓ દૂર કરીને સ્થાનિકોની માંગણી સંતોષવા વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.