પોર્ટલ પર અભ્યાસક્રમ ચેન્જ કરવા ઓપ્શન નહી હોવાથી વિદ્યાર્થીઓ પ્રવેશવંચિત
કૉલેજોમાં એડમિશન માટે કોમન પ્રવેશ પ્રક્રિયામાં ધાંધીયા
- વિદ્યાર્થીઓનો બીબીએ બીસીએમાં ધસારો પરંતુ બેઠક ઘટતા અન્ય કોર્સ તરફ જઇ ના શકતા મોટી સંખ્યામાં પ્રવેશથી વંચિત
સુરત
ગુજરાત કોમન પોર્ટલ પર પ્રવેશ માટે એકવાર જે વિષયમાં ફોર્મ ભર્યુ હોઇ તે સિવાયના અન્ય અભ્યાસક્રમમાં પ્રવેશ માટે કોઇ વિકલ્પ આપ્યો જ નહીં હોવાથી હજ્જારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. આ અંગે કુલપતિ સુધી ફરિયાદો થતા આગામી દિવસોમાં નવા ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓને એક તક આપવામાં આવશે.
રાજયની તમામ સરકારી યુનિવર્સિટીઓને જોડીને જે ગુજરાત કોમન એડમીશન પોર્ટલ શરૃ કર્યુ છે. તે પોર્ટલ પર ઓફર લેટરનો વિવાદ ઉઠયા બાદ બીજો એક વિવાદ એ આવ્યો છે કે વિદ્યાર્થીઓએ જે અભ્યાસક્રમ માટે ફોર્મ ભર્યુ હોઇ તે સિવાયના બીજા અભ્યાસક્રમમાં પ્રવેશ લઇ શકે તેવો કોઇ વિકલ્પ પોર્ટલ પર આપવામાં આવ્યો નથી. જેના કારણે સ્થિતિ એ થઇ છે કે આ વર્ષે વિદ્યાર્થીઓનો બીબીએ માં રસ વધારે છે. અને લગભગ ૯૦ ટકા જેટલા પ્રવેશો થઇ ચૂકયા છે. ત્યારે જે વિદ્યાર્થીઓ બીબીએ કે અન્ય અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ બદલી શકતા નહીં હોવાથી પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી પ્રવેશ પ્રકિયા હાથ ધરી હોવાછતા પ્રવેશથી વંચિત રહ્યા છે. આ વિદ્યાર્થીઓમાંથી કેટલાકે યુનિવર્સિટી ખાતે કુલપતિને રજુઆત કરી હતી.
રજુઆત કરતા કુલપતિએ જણાવ્યુ હતુ કે જે વિદ્યાર્થીઓ કોઇપણ કારણસર પ્રવેશથી વંચિત હોય તેવા વિદ્યાર્થીઓ માટે પોર્ટલ પર આગામી દિવસોમાં નવા ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવશે.આમ પોર્ટલ પર અભ્યાસક્રમ ચેન્જનું ઓપ્શન આપ્યુ ના હોવાથી વિદ્યાર્થીઓ અટવાયા છે.