પહલગામ આતંકી હુમલાના વિરોધમાં ધંધુકા સ્વયંભૂ બંધ
- વેપારી એસો.એ બંધ પાળવા સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ કરેલો
- વેપારીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી, આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ
કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં ધંધુકા વેપારી એસોસીએશન દ્વારા સોશિયલ મીડિયા પર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આજે શહેરના તમામ નાના-મોટા વેપારીઓએ સ્વયંભૂ રીતે પોતાના વ્યવસાય બંધ રાખ્યા છે. આ દરમિયાન શહેરીજનોએ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ધંધુકા વિસ્તારના ભીંડીબજાર, કોઠાબજાર, સોની બજાર, મોટી અને નાની શાકમાર્કેટ, ખાંડાચોરા, બસ સ્ટેન્ડ રોડ તેમજ કોલેજ રોડ સહિત ધંધુકાના તમામ વિસ્તારમાં આવેલા દુકાનદારોએ આજે બંધ પાળી વેપારીઓએ આ આતંકી હુમલાને જધન્ય કૃત્ય ગણાવ્યું હતું. સાથે જ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. શહેરના નાના-મોટા તમામ વેપારીઓએ એકજૂથ થઇને બંધમાં જોડાયા હતાં. વેપારીઓએ દેશમાંથી આતંકવાદનો સંપૂર્ણ ખાત્મો કરવાની માંગ પણ ઉઠાવી હતી.