આખરે દેવાયત ખાવડ હૂમલાના 10 દિવસ બાદ રાજકોટ DCP ક્રાઈમ સામે હાજર થયો
કોર્ટમાં આગોતરા જામીન અંગેની અરજીની સુનાવણી 17મી ડિસેમ્બરે યોજાશે
ક્ષત્રિય સમાજના આગેવાનોએ દેવાયત ખવડની ધરપકડ કરવા પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી
image-facebook
રાજકોટ, 16 ડિસેમ્બર 2022, શુક્રવાર
વિવાદિત લોકસાહિત્યકાર દેવાયત ખવડ આજે 10 દિવસ બાદ રાજકોટમાં પોલીસ સમક્ષ હાજર થયો છે. તે 10 દિવસ સુધી ક્યાં હતો તે સૌથી મોટો સવાલ હાલમાં ચર્ચાઈ રહ્યો છે. તે DCP ક્રાઈમ સમક્ષ હાજર થયો છે. કોર્ટમાં તેણે આગોતરા જામીન માટે અરજી કરી હતી. આ અરજી અંગેની સુનાવણી ટળી હતી અને હવે આગામી 17મી ડિસેમ્બરે તેની સુનાવણી હાથ ધરાશે. તે ઉપરાંત પોલીસે પણ કોર્ટમાં દેવાયત ખવડને આગોતરા જામીન નહીં આપવા માટે સોગંદનામું કર્યું છે. દેવાયત સામેના ત્રણ ગુનાઓમાંથી એક ગંભીર ગુનાની નોંધ લેવામાં આવી છે.
મયુરસિંહના પરિવારે હવે છેક PMO સુધી રજૂઆત કરી
દેવાયત ખવડ દ્વારા જે મયુરસિંહ રાણા પર હૂમલો કરવામાં આવ્યો હતો તે મયુરસિંહના પરિવારે હવે છેક વડાપ્રધાન કાર્યાલય સુધી રજૂઆત કરી છે. આ પરિવારે પીએમઓને પત્ર લખ્યો છે. જેમાં 2021ની ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગત સાતમી ડિસેમ્બરે દેવાયત ખવડે મયુરસિંહ રાણા પર પાઈપથી હૂમલો કર્યો હતો. આ દરમિયાન આસપાસના લોકો ભેગા થતાં તે ત્યાંથી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત મયુરસિંહને લોહિલુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
પરિવારજનોએ પોલીસ પર આરોપ લગાવ્યો
દેવાયત ખવડે જેના પર હૂમલો કર્યો હતો તે મયુરસિંહ રાણાના પરિવારજનોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે પોલીસ પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, દેવાયત વારંવાર એવું કહેતો હતો કે પોલીસ મારા ખિસ્સામાં છે. આ ઉપરાંત તેની પોલીસ સાથે સાંઠ ગાંઠ હોવાથી તે પકડાતો નથી. પત્રકારોને તેમણે જણાવ્યું હતું કે, સોસાયટીમાં પણ દેવાયત ખવડનો ત્રાસ હતો. સામાન્ય ગુનેગારો પકડાય તો દેવાયત કેમ ન પકડાય. અમે ગાંધીનગર જઇ અમે ગૃહમંત્રીને રજૂઆત કરીશું અને પોલીસ કમિશ્નર કચેરીએ આંદોલન કરીશું.
છેલ્લા 10 દિવસથી દેવાયત ફરાર હતો
રાજકોટ પોલીસ દ્વારા દેવાયત ખવડ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી એક સપ્તાહથી શોધખોળ આદરી હતી. પરંતુ તેની ભાળ મળી નહોતી. બીજી તરફ દેવાયતે તેના વકિલ દ્વારા રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી. ક્ષત્રિય સમાજના આગેવાનોએ રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીએ જઈને દેવાયત ખવડની 24 કલાકમાં ધરપકડ કરવા માંગ કરી હતી. આ આગેવાનોએ એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે જો તે નહીં પકડાય તો ધરણાં કરવામાં આવશે.
દેવાયત ખવડે મયુરસિંહ પર પાઈપથી હૂમલો કર્યો હતો
અંગત અદાવતમાં દેવાયત ખવડે મયુરસિંહ પર પાઈપથી હૂમલો કર્યો હતો. આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ જતાં દેવાયત ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત મયુરસિંહને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ દિવસથી લઈને આજ સુધી તે તેના ઘરને તાળા મારીને ફરાર થઈ ગયો છે. ત્યાર બાદ તે પોલીસના હાથે હજી સુધી લાગ્યો નથી. દેવાયતે મયુરસિંહને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.