વરસાદી ઝાંપટા વચ્ચે સુરતના ગણેશજીના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
વરસાદી ઝાંપટા વચ્ચે સુરતના ગણેશજીના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો 1 - image


- સુરતમાં ગણેશ ઉત્સવના પાંચમા દિવસે માહોલ જામ્યો

- વીક એન્ડમાં ગણેશજીના ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા, અનેક મંડળો બહાર ભક્તોની લાંબી લાઈન લાગી

સુરત, તા. 24 સપ્ટેમ્બર 2023, રવિવાર

સુરતમાં દબદબાભેર શરૂ થયેલા ગણેશ ઉત્સવમાં પાંચમા દિવસે વીક એન્ડ હોવાથી શહેરના ગણેશ ભક્તો મોટી સંખ્યામાં શ્રીજીના  દર્શન માટે ઉમટી પડ્યા હતા. ગઈકાલે રાત્રી શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદના ઝાપટા પડ્યા  હતા તેની વચ્ચે પણ ગણેશજીના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.  શ્રીજીના ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા, અનેક મંડળો બહાર ભક્તોની લાંબી લાઈન જોવા મળી હતી. શહેરના અનેક ગણેશ મંડળ માં ભારે ભીડ હોવાના કારણે પોલીસે વ્યવસ્થા માટે પરસેવો પાડ્યો હતો. 

સુરતમાં વરસાદના વિઘ્ન વચ્ચે વિધ્નહર્તાની એન્ટ્રી થઈ હતી અને પાંચ દિવસમાં શહેરમાં વરસાદના ઝાપટા વરસી રહ્યા છે પરંતુ ગણેશભક્તોની આસ્થા સામે વરસાદનું વિઘ્ન વામણું પડી રહ્યું છે. સુરતના ગણેશ ભક્તોએ બાપ્પા પર અપાર ભક્તિ વરસાવી હતી અને તેના કારણે શનિવારે મોડી રાત્રી સુધી ભક્તો વિવિધ મંડળોમાં લાઈન લગાવી દર્શન કરવા માટે ઉભા રહ્યા હતા. 

ગણેશ ઉત્સવની શરૂઆત સાથે જ ગણેશ ભક્તો બાપ્પાની ભક્તિના રંગમાં રંગાયા છે.  શહેરના કોટ વિસ્તારના મહિધરપુરા, ચૌટા બજાર, કૈલાસનગર, બેગમપુરા, ઝાંપાબજાર, સલાબતપુરા,ભાગળ, નવાપુરા,  નાનપુરા સહિતના અનેક વિસ્તારમાં મોટા ગણેશ આયોજકો સાથે સાથે નયન રમ્ય ડેકોરેશન કરનારા નાના ગણેશ મંડળોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. ગઈકાલે રાત્રે શનિવાર અને મોટા ભાગેનાને આજે રવિવારની રજા હોવાથી ગઈકાલે સુરતના ગણેશ મંડપ ના આસપાસ ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. મોટી સંખ્યામાં લોકો બાપ્પાના દર્શન કરવા માટે આવ્યા હતા જેના કારણે અનેક વિસ્તારમાં ટ્રાફિક ની સમસ્યા થઈ હતી. જોકે, મોટી સંખ્યામાં પોલીસ અને હોમગાર્ડે  ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ભારે કસરત કરવી પડી હતી. 

ગઈકાલે પાંચમા દિવસે ગૌરી ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં થયું હતું ત્યાર બાદ મોડી સાંજથી મોડી રાત સુધી મોટા ભાગના ગણેશ મંડપની આસપાસ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.


Google NewsGoogle News