સોમનાથ દાદાના દર્શને દેશભરમાંથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ, શિવરાત્રિએ શિવનાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર
Mahashivratri festival in Somnath : રાજ્યભરમાં મહા શિવરાત્રિના પર્વની જોરશોરથી ઉજવણી થઇ રહી છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રિ મહોત્સની ભવ્ય ઉજવણીની તૈયારી શરૂ કરવામાં આવી છે. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. ભક્તોની સગવડ માટે વિશેષ એસ.ટી. બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. સમુદ્ર દર્શન વૉક પર આજે સોમવારથી 26 ફેબ્રુઆરી, 2025 સુધીમાં સોમનાથ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે સંકીર્તન ભવન ખાતે ધ્વજા પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
મહા શિવરાત્રિ મહોત્સની ભવ્ય ઉજવણી
સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ મહોત્સની તડામાર તૈયારી શરૂ છે, ત્યારે આગામી 26 ફેબ્રુઆરીની વહેલી સવારે 4 વાગ્યાથી 42 કલાક સુધી ભક્તો માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે. જ્યારે સોમનાથ સમુદ્ર કિનારે હજારો શ્રદ્ધાળુઓ માટે સવારે 8 વાગ્યે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 8થી 11 અને બપોરે 1થી 5 વાગ્યા દરમિયાન ભક્તોને દર્શન કરવા અને ગંગાજળ અભિષેકનો લાભ મળે તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
સોમનાથમાં 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન સોમનાથ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં સંકીર્તન ભવન ખાતે ધ્વજા પૂજા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ભક્તો માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા કરી શકશે. સોમનાથ મંદિર ખાતે દર્શાનાર્થે આવતા દિવ્યાગં અને વૃદ્ધોને ધ્યાનમાં રાખીને સ્વાગત કક્ષ ખાતે નિઃશુલ્ક ગોલ્ફ કાર્ટ અને વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સોમનાથ ખાતે આશરે બે લાખથી વધુ દર્શાનાર્થીઓ આવ્યા હતા. જો કે, આ વર્ષે મહાશિવરાત્રિ પર્વ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવાના હોવાથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.