રાજકોટના જૈન દેરાસરમાં દર્શન કરતાં ભક્ત પર ચપ્પાના ઘા ઝીંક્યા, અંગત અદાવતમાં કરાયો હુમલો
Jain Derasar in Rajkot : રાજકોટથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પંચનાથ પ્લોટમાં આવેલા દિગંબર જૈન દેરાસર ખાતે ચાકુબાજીની ઘટના બની હતી. મામલો 5 દિવસ પહેલાનો છે પણ હાલમાં તેના સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. માહિતી અનુસાર જૈન દેરાસરમાં પૂજા કરવા આવેલા એક કારખાનેદાર પર અંગત અદાવતમાં ચપ્પા વડે હુમલો કરાયો હતો.
પોલીસમાં નોંધાઈ ફરિયાદ
ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર ચપ્પા વડે હુમલો કરનાર વ્યક્તિ 8 મહિનાથી વૉન્ટેડ હતો. પોલીસે તપાસ હાથ ધરતાં તેને પકડી પાડ્યો છે. જ્યારે ઘટનાના સીસીટીવી હવે સામે આવતા મામલો ફરી ચર્ચામાં આવી ગયો છે. હુમલાખોરની ઓળખ મવડી આસ્થા રેસિડેન્સીમાં રહેતા ભાવેશ વિનોદભાઇ ગોલ નામની વ્યક્તિ તરીકે થઇ છે. જ્યારે પીડિત વ્યક્તિની ઓળખ અમિતભાઈ સગપરિયા તરીકે થઇ હતી. અમિતના ભાઈ મયૂરભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
અંગત અદાવતમાં હુમલો...
ફરિયાદી પક્ષે જણાવ્યું કે હુમલાખોર ભાવેશ ગોલ જ હતો. થોડા સમય પહેલા એક એક્સિડેન્ટમાં પણ તેણે આ રીતે તેણે મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. 10 મહિના અગાઉ તેણે અમિત પર જ છરાથી હુમલો કર્યો હતો. ત્યારે પણ પોલીસ ફરિયાદ થઇ હતી અને એનો જ ખાર રાખી જૈન દેરાસરમાં પ્રાર્થના કરતી વખતે તેણે તકનો લાભ ફરી ચપ્પા વડે હુમલો કરી દીધો.