Get The App

કચ્છના પ્રાચીન નગર 'ધોળાવીરા' ઝગમગશે! રૂ.135 કરોડના ખર્ચે લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિતના વિકાસ કામો કરાશે

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
Dholavira


Dholavira on Swadesh Darshan 2.0 : કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ ધોળાવીરાને યુનેસ્કોએ વર્ષ-2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સામેલ કર્યું. ભારત સરકારના સ્વદેશ દર્શન 2.0 પ્રોજેક્ટ હેઠળ ધોળાવીરાના વિકાસના કામો માટે 135 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. જેમાં ધોળાવીરામાં કચ્છની સંસ્કૃતિ, કલા અને ઈતિહાસને ઉજાગર કરતા લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના વિવિધ વિકાસ કામો હાથ ધરાશે.

ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત દેશના કુલ 50 સ્થળોની પસંદગી પામી છે. જેમાંથી ગુજરાતના બે સ્થળો ધોળાવીરા અને દ્વારકાને સ્થાન મળ્યું છે. 

સ્વદેશ દર્શન 2.0માં ધોળાવીરાની પસંદગી

ભૂગર્ભ ગટર વ્યવસ્થા અને જળ વ્યવસ્થાપનનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે હડપ્પન સંસ્કૃતિનું પ્રાચીન નગર ધોળાવીરા ખાતે સ્વદેશ દર્શન 2.0 પ્રોજેક્ટ હેઠળ કલ્ચર વિલેજ, એમ્ફિથિયેટર, ટેન્ટ સિટી, ટુરિસ્ટ પ્લાઝા સહિતના કામ કરવામાં આવશે.

આ પણ વાંચો : સિંધુ સભ્યતા-હડપ્પન સંસ્કૃતિ જોવી હોય તો પહોંચી જાઓ કચ્છ, આ તારીખ સુધી ખુલ્લી રહેશે નવી ટેન્ટ સિટી

135 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના કામો કરાશે

સસ્ટેનેબલ એન્ડ રિસ્પોન્સ ટુરિસ્ટ સ્થળ તરીકે ધોળાવીરાને વિકસાવવામાં આવશે. જેમાં તેની કામગીરી મુખ્યત્ત્વે બે ભાગમાં કરવામાં આવશે. જેમાં આશરે 135 કરોડ રૂપિયાના ખર્ચે ટેન્ટ સિટી, એમ્ફિથિયેટર, કલ્ચર વિલેજ, ટુરિસ્ટ પ્લાઝા અને રસ્તાના વિકાસ સહિતના કામો કરાશે. આ સાથે લાઇટ એન્ડ સાઉન્ડ શો થકી કચ્છની કલા, સંસ્કૃતિ અને ઈતિહાસને દર્શાવાશે. તેમજ કમ્યુનિટી હોલ પણ બનાવાશે.

25 નવેમ્બર સુધી વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી

ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં 19થી 25 નવેમ્બર દરમિયાન 'વર્લ્ડ હેરિટેજ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. ડિસ્કવર એન્ડ એક્સપિરિયન્સ ડાયવર્સિટી થીમ પર આ વર્ષે વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ગુજરાતના કેટલાક મહત્ત્વના હેરિટેજ સ્થળોને યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પ્રાપ્ત થયું છે. તાજેતરમાં જ કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો પ્રાપ્ત થયો છે.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા વર્ષ 1967મા આ સ્થળને શોધી કાઢવામાં આવ્યું હતું, પરંતુ 1990થી જ વ્યવસ્થિત રીતે ઉત્ખનન કરવામાં આવ્યું હતું. કલાકૃતિઓમાં ટેરાકોટા, માટીકામ, માળા, સોના અને તાંબાના ઘરેણાં, સીલ, માછલી પકડવાના હૂક, પ્રાણીઓની મૂર્તિઓ, ઓજારો, ભઠ્ઠીઓ અહીં ખોદકામ દરમિયાન મળી આવી હતી.

આ પણ વાંચો : VIDEO: મોરબીની જેલમાંથી ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થયો દુષ્કર્મનો કેદી, વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાઈરલ

મળતી માહિતી પ્રમાણે, કચ્છના ભચાઉ તાલુકાના ખદિર બેટ વિસ્તારમાં ધોળાવીરા આવેલું છે. જ્યાંની સંસ્કૃતિ 5000 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. એ સમયે આશરે 50 હજાર જેટલા લોકો રહેતા હોવાનું માનવામાં આવે છે. સ્થાનિકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થળ ધોળાવીર ગામની નજીક આવેલું હોવાથી તેનું નામ ધોળાવીરા પડ્યું. ધોળાવીરામાં ઉત્ખનન દરમિયાન સિંધુ સભ્યતાનું એક સાઈન બોર્ડ પણ મળી આવ્યું હતું, જેને આજદિન સુધી ઉકેલી શકાયું નથી.



Google NewsGoogle News