Get The App

ભ્રષ્ટાચાર છુપાવવા તંત્રના થીગડાં: PM મોદીએ પાંચ મહિના પહેલા ઉદ્ઘાટન કરેલ સુદર્શન સેતુની હાલત જુઓ

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
ભ્રષ્ટાચાર છુપાવવા તંત્રના થીગડાં: PM મોદીએ પાંચ મહિના પહેલા ઉદ્ઘાટન કરેલ સુદર્શન સેતુની હાલત જુઓ 1 - image


Sudarshan Bridge : ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજમાં ગાબડાં, જોઇન્ટ છૂટા પડી ગયા બાદ હવે તેનું રીપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. પીએમ મોદીએ ઉદ્દઘાટન કર્યાના પાંચ મહિનામાં જ 950 કરોડનાં ખર્ચે બનેલા બ્રિજના બાંધકામમાં પોલંપોલ જોવા મળી હતી. ચોમાસાની શરૂઆતમાં પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઇ ગયા બાદ બ્રિજના નબળા કામને લીધે લોખંડના સળિયા દેખાવા લાગ્યા હતા.

સિગ્નેચર બ્રિજનું રિપેરિંગ કામ હાથ ધરાયુ

દ્વારકા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદને લીધે અનેક રસ્તાઓ ધોવાયા છે. ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજમાં અનેક સ્થળે ગાબડા પડ્યા હતા. બ્રિજનાં જોઇન્ટ છુટા પડી ગયા હતાં તેમજ બ્રિજના સળિયા બહાર દેખાતા હોવાનાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઉપરાંત કોંગ્રેસ નેતા અમિત ચાવડા પણ ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘જુઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતનો ભ્રષ્ટાચાર... પ્રથમ વરસાદમાં જ વડાપ્રધાન દ્વારા ચાર મહિના પહેલા ઉદઘાટન કરાયેલા સિગ્નેચર બ્રિજ પર ગાબડા પડવાના શરૂ થઈ ગયા છે.’ તો બીજીતરફ કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ આ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું છે.


કન્સ્ટ્રક્શન કંપનીની કામગીરી સામે સવાલ

સુદર્શન બ્રિજનાં નિર્માણનું કામ એસ.પી.સિંગલા કન્સ્ટ્રક્શન કંપનીને સોંપવામાં આવ્યું હતું. આ કંપની મોટા મોટા પુલો બનાવવા માટે જાણીતી છે. અહીં સુદર્શન બ્રિજનું કામ ચાલુ હતું, ત્યારે આ સમયગાળા દરમિયાન જ બિહારમાં ગંગા નદી ઉપર આ કંપની દ્વારા બનાવવામાં  આવેલો પુલ ધરાશાયી થઇ ગયો હતો. આ ઘટના પછી સુદર્શન સેતુનો પ્રોજેક્ટ આ કંપની પાસેથી પરત લઇ લેવાની અટકળો પણ શરૂ થઇ હતી.

અગાઉ સુદર્શન બ્રિજની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઇ હતી

ચોમાસાની શરૂઆતમાં જ સુદર્શન બ્રિજની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઇ ગઇ હતી. તેથી ભ્રષ્ટાચારની વિગતો ચર્ચાસ્પદ બને તે પહેલાં તાત્કાલિક પ્રોટેક્શન વોલનું કામ કરી નાખવામાં આવ્યું હતું. મેઘરાજાએ સુદર્શન બ્રિજના બાંધકામની પોલંપોલને ઉઘાડી પાડી દેતા સુદર્શન સેતુનાં નબળા બાંધકામનો મુદ્દો સમગ્ર દ્વારકા પંથકમાં ચર્ચાસ્પદ બની રહ્યો હતો.


Google NewsGoogle News