વડોદરા: શિયાળાની ઋતુ છતાં ઠંડીનો યોગ્ય અહેસાસ થતો નથી, બેવડી ઋતુથી લોકો પરેશાન
Image: X
ઋતુચક્રમાં ફેરફાર થવાના કારણે તથા ભારે પ્રદૂષણ સહિત ગ્લોબલાઈઝેશન થવાથી સીઝનમાં બદલાવ થઈ રહ્યો છે ત્યારે હાલમાં શિયાળાની ઋતુ હોવા છતાં પણ તાપમાનમાં વારંવાર ફેરફાર થઈ રહ્યો છે. પરિણામે આજે વહેલી સવારથી જ વાદળીયું વાતાવરણ સર્જાયું છે.
ઉલ્લેખનીય છે કે, પ્રદૂષણમાં દિન પ્રતિદિન ભારે વધારો થઈ રહ્યો છે અને ગ્લોબલાઇઝેશન પણ થઈ રહ્યું છે. પરિણામે ઋતુચક્રમાં ભારે ફેરફાર થઈ રહ્યો છે. હાલ શિયાળાની ઋતુ ચાલતી હોવા છતાં પણ ઠંડીનો ચમકારો હજી સુધી ખાસ જોવા મળ્યો નથી. શિયાળાની ઋતુમાં સવારે સામાન્ય ઠંડીનો ચમકારો અને મોડી સાંજે પણ એવું જ વાતાવરણ થઈ જાય છે પરંતુ બપોરના સમયે ઠંડીનો ખાસ અહેસાસ નહિ રહેતા ગરમીનો અનુભવ થાય છે. આવી જ રીતે વાતાવરણમાં કેટલીય વાર ત્રણેય ઋતુનો અનુભવ થયાના કિસ્સા છે. જોકે હવામાનમાં પણ વારંવાર પલટો આવતો જણાય છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગઈ તા. ૩૦મી જાન્યુઆરીએ લઘુતમ તાપમાન નો પારો ૧૫ અંશ ડિગ્રી સેલ્સિયસ અને પવનની ગતિ પ્રતિ કલાક ત્રણ કિમીની રહી હતી. તેવી જ રીતે તા ૩૧મીએ ઓછામાં ઓછું તાપમાન ૧૬.૮ અંશ ડિગ્રી સેલ્સિયસ સહિત પવનની ગતિ પ્રતિ કલાક ત્રણ કિમી રહી હતી. જોકે ત્રણ દિવસ અગાઉ ફેબ્રુઆરી માસના પ્રારંભે ઓછામાં ઓછું તાપમાન ૧૭.૬ અંશ ડિગ્રી સેલ્સિયસ અને પવનની ગતિ પ્રતિ કલાક 5 કી.મી રહેતા ઠંડીનો અહેસાસ સવારે રહ્યો હતો. જ્યારે ગઈકાલે લઘુતમ તાપમાનનો પારો ૧૩.૬ અંશ ડિગ્રી સેલ્સિયસ અને પવનની ગતિ પ્રતિ કલાક ત્રણ કિમીની રહી હતી જ્યારે આજે ઓછામાં ઓછું તાપમાન ૧૬.૮ અંશ સેલ્સિયસ અને પવનની ગતિ પ્રતિ કલાક ત્રણ કિમીની રહી હતી. આમ છતાં આજે વહેલી સવારથી વાદળીયું વાતાવરણ સર્જાયું છે.