સિહોરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ છતાં તંત્રનું મૌન
- કુંભકર્ણની નિંદ્રાંમાં પોઢેલા તંત્રના પાપે નાગરિકો-મૂકપશુઓના આરોગ્ય પર જોખમ
- પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અને વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ
સિહોરમાં ચાની લારી-દુકાનો, બફાલા-ફ્રૂટની લારીઓ, ફરસાણની દુકાનો, કરીયાણાની દુકાનો, હોટલો અને અન્ય વેપાર-ધંધાઓ કરતા લોકો દ્વારા ૫૦ માઈક્રોનથી પાતળા પ્લાસ્ટિકના કપ, ઝબલા, થેલીઓનો બેરોકટોક પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યા બાદ તેને જ્યાં-ત્યાં રસ્તા પર, કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવતો હોવાથી મૂંકપશુઓ ગાય-ખૂંટિયા, બકરાં ખાતા હોવાથી પ્રાણીઓના આરોગ્યને નુકશાન થઈ રહ્યું છે, જ્યારે શરીરમાં પ્લાસ્ટિક જમા થવાના કારણે પશુઓના મોત થવાના બનાવો પણ બનતા હોય છે. વળી, પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગથી લોકોનું આરોગ્ય જોખમાતું હોવા છતાં પણ નગરપાલિકાનું તંત્ર કુંભકર્ભની નિંદ્રાંમાં પોઢી રહ્યું હોય, કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ બાબતે નગરપાલિકા તંત્રે હવે ગંભીરતા દાખવી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.