સુરત પાલિકાના કમિશ્નરનો નિર્ણય માત્ર કાગળ પર : ગાર્ડનની કામગીરીના વિકેન્દ્રીકરણના આદેશ છતાં મહેકમ વિભાગે સત્તાવાર ઓર્ડર ઈસ્યુ નથી કર્યા
Surat Corporation : સુરત મ્યુનિ. કમિશ્નરે એક મહિના પહેલા સુરત શહેરના ગાર્ડન અને શાંતિકુંજની કામગીરીને વિકેન્દ્રીકરણ કરવાનો નિર્ણય કર્યો હતો. આ માટે વિભાગ દ્વારા જે તે ઝોનમાં કર્મચારીઓ અને મશીનરી ફાળવવા માટે નોંધ પણ જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ પાલિકાના મહેકમ વિભાગે મ્યુનિ. કમિશનરના આદેશના એક મહિના બાદ પણ સત્તાવાર ઓર્ડર ઈસ્યુ ન કરતાં કામગીરી પર અસર પડી રહી છે.
સુરત પાલિકા કમિશનરે શહેરના ગાર્ડન, હોર્ટિકલ્ચર સિવિલની કામગીરી માટે વિક્રેન્દીરકરણ કરવાના આદેશ પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા એક મહિના પહેલા આપી દેવામાં આવ્યા છે. આ ઓર્ડર બાદ ગાર્ડન વિભાગના વડા ગજેન્દ્ર ચૌહાણે સુરત પાલિકાના દરેક ઝોનને ગાર્ડન વિભાગ હસ્તકના કર્મચારીઓ, મસીનરી ફાળવણી માટે ના ઓર્ડર કરી દીધા હતા. આ સાથે નોંધમાં સાત દિવસમાં જાહેર બાગ બગાડી વિભાગ તથા ગાર્ડન પ્રોજેક્ટ સેલના તમામ કર્મચારીઓ-અધિકારીઓને તેમના કાર્યક્ષેત્રમાં આવતી તમામ કામગીરી જે કોઈ રેકર્ડ હોય તે જે તે ઝોનમાં જમા કરાવવા માટેની સૂચના પણ આપવામાં આવી હતી.
પાલિકા કમિશનરના આદેશ બાદ ગાર્ડન વિભાગના વડાએ પણ ત્વરિત ઉપરોક્ત નોંધ જાહેર કરીને ઝોનમાં કર્મચારીઓ અને સાધનોની ફાળવણી માટેની નોંધ મૂકી હતી. જોકે, હાલમાં વિવાદી કામગીરી કરી રહેલા મહેકમ વિભાગની કામગીરીને પગલે ફરી એક વખત વિવાદ ઉભો થયો છે. મ્યુનિ. કમિશનરનો આદેશ અને ગાર્ડન વિભાગના વડાની નોંધના એક મહિના બાદ પણ ગાર્ડન વિભાગના કર્મચારીઓને છુટા કરવા માટે અને નવી કામગીરી સોંપવા માટે ઓર્ડર કરવામા આવ્યા નથી તેના કારણે પાલિકા કમિશનરે ગાર્ડનની કામગીરી માટે વિકેન્દ્રીકરણ કરવાનો નિર્ણય હાલ પુરતો કાગળ પર જ જોવા મળી રહ્યો છે.