Get The App

કડક નિયમો ન હોવા છતાં સુરત સમિતિની શાળામાં 100 ટકા હાજરીવાળા વિદ્યાર્થીઓનું પ્રમાણ વધ્યું

Updated: Mar 26th, 2025


Google News
Google News
કડક નિયમો ન હોવા છતાં સુરત સમિતિની શાળામાં 100 ટકા હાજરીવાળા વિદ્યાર્થીઓનું પ્રમાણ વધ્યું 1 - image


Surat : સુરતની ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી બાબતે નિયમોમાં ભારે કડકાઈ છે જ્યારે બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં કોઈ કડકાઈ નથી. તેમ છતાં આશ્ચર્ય વચ્ચે શિક્ષણ સમિતિની મોટાભાગની શાળામાં અનેક વિદ્યાર્થીઓ હાજરી 95 થી 100 ટકા જેટલી જોવા મળે છે.  છેલ્લા કેટલાક વખતથી શિક્ષણ સમિતિની શાળામાં 100 ટકા હાજરીનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ ટ્રેન્ડ આગળ વધે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે વિદ્યાર્થીઓ અને વર્ગ શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવે છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આમ તો સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે પરંતુ કેટલાક શિક્ષકો અને આચાર્યની કામગીરીને કારણે શિક્ષણ સમિતિના શિક્ષણનું સ્તર દિવસેને દિવસે સુધરી રહ્યું છે તેની અસર બાળકોની હાજરી પર જોવા મળી રહી છે. પાલિકાની કેટલીક શાળાઓમાં એવું વાતાવરણ હોય છે કે બાળકોને જાહેર રજા કે રવિવારની રજા હોય તો પણ ગમતું નથી. સમિતિની શાળામાં 100 ટકા હાજરી હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા હવે વધી રહી છે. 

કડક નિયમો ન હોવા છતાં સુરત સમિતિની શાળામાં 100 ટકા હાજરીવાળા વિદ્યાર્થીઓનું પ્રમાણ વધ્યું 2 - image

પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરે છે વાલીઓ શ્રમજીવી ઉપરાંત નોકરીયાત હોવાથી બાળકો પર પૂરતો સમય ફાળવી શકતા નથી તે જવાબદારી હવે શિક્ષણ સમિતિના શિક્ષકો ઉપાડી રહ્યા છે.  જેના કારણે કેટલાક બાળકોને જાહેર રજા કે રવિવારની રજામાં પણ ઘરે ગમતું ન હોય તેવું બની રહ્યું છે. કેટલાક વિદ્યાર્થીઓ શાળા પ્રત્યે એટલો લગાવ રહે છે કે, શાળા સત્રના તમામ દિવસો તેઓની હાજરી શાળામાં રહે છે. આવી 100 ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓનું પ્રમાણ હવે નોંધપાત્ર થઈ રહ્યું છે. 

કડક નિયમો ન હોવા છતાં સુરત સમિતિની શાળામાં 100 ટકા હાજરીવાળા વિદ્યાર્થીઓનું પ્રમાણ વધ્યું 3 - image

કેટલાક વિદ્યાર્થીઓ એવા છે જેઓ તહેવાર કે ઘરના કોઈ પ્રસંગ હોય તો શાળા સમય બાદ હાજર રહે છે જેના કારણે શાળામાં તેઓ તમામ દિવસો હાજર રહી અભ્યાસ કરી રહ્યાં છે.  આ સંખ્યામાં સતત વધારો થાય અને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તે માટે શાળાના આચાર્ય ની ભૂમિકા ઘણી જ મહત્વની છે. આચાર્ય દ્વારા જે ક્લાસ ના વિદ્યાર્થીઓની હાજરી 100% હોય તેમને પણ સન્માનિત કરવામાં આવી રહ્યા છે. શહેરના પાલનપોર વિસ્તારના એક શાળામાં તો વાલી મીટીંગમાં એક વર્ગ શિક્ષક દ્વારા 100 ટકા હાજરીવાળા વિદ્યાર્થીને એક હજાર રુપિયાનું રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.  જ્યારે કેટલીક શાળાઓમાં ગિફ્ટ તો કોઈ શાળામાં મેડલ આપી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. આમ સરકારી શાળામાં નિયમોની કડકાઈ ન હોવા છતાં વિદ્યાર્થીઓ સો ટકા દિવસ શાળામાં હાજર રહી અભ્યાસ કરે છે કે સુખદ આશ્ચર્ય છે.

Tags :