સમિતિની શાળામાં ખેલ શિક્ષકોની ઘટ વચ્ચે પણ વિદ્યાર્થીઓ હોકી, બાસ્કેટબોલ અને સ્વિમિંગ જેવી સ્પર્ધામાં ઝળક્યા
સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં રમત ગમતના મેદાન અને પીટી શિક્ષકોની અછત વચ્ચે પણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ હોકી, બાસ્કેટબોલ અને સ્વિમિંગ જેવી સ્પર્ધામાં ઝળકી રહ્યાં છે. હાલ સુરત શિક્ષણ સમિતિનો રમતોત્સવ 2025 શરુ થયો છે. ગઈકાલ સોમવારે હોકી, બાસ્કેટબોલ અને સ્વિમિંગ જેવી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આજે મંગળવારે પાલિકાના ઇન્ડોર સ્ટેડિયમમાં સમિતિના એક હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ ઈન્ડોર ગેમ માં ભાગ લેશે. સમિતિના શાસકોએ 21 કરોડના ખર્ચે નેશનલ ખેલાડી જેવા કપડાં અને બુટ અપાયા હવે પીટી શિક્ષકોની ઘટ પૂરી કરીને બાળકોને વધુ સારી તાલીમ આપવામાં આવે તો અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ બહાર આવે તેવી શક્યતા છે.
સુરત શિક્ષણ સમિતિ દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માં રહેલી ખેલ પ્રતિભા બહાર આવે તે માટે નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં ઉત્સાહિત બને તે માટે સમિતિએ 21 કરોડ રૂપિયાના ખર્ચે નેશનલ ખેલાડી જેવા કપડાં અને બુટ આપ્યા છે. આ સાથે આજથી સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો રમતોત્સવ 2025 શરુ થયો છે. જેમાં દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં હોકી, બાસ્કેટબોલ અને સ્વિમિંગ જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ શાળામાંથી વિદ્યાર્થીઓ ઝળક્યા હતા. આજે શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ માટે ઈન્ડોર ગેમ નું આયોજન પાલિકાના ઇન્ડોર સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે તેમાં પણ એક હજાર જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ પોતાની પ્રતિભા બહાર લાવશે.
શિક્ષણ સમિતિ દ્વારા 21 કરોડના ખર્ચે નેશનલ ખેલાડી સ્પોર્ટ્સ કીટ આપવામાં આવી છે પરંતુ હવે સમિતિની શાળામાં પીટી શિક્ષકોની ભરતી થાય તેવી માગણી થઈ રહી છે. સમિતિના શાસકોની આ કામગીરી સારી છે પરંતુ વિદ્યાર્થીઓને ખેલાડી બનાવવા માટે પ્રાથમિક જરૂરિયાત છે તેવા મેદાન જ શિક્ષણ સમિતિની સ્કુલ પાસે નથી. અને જો મેદાન પણ મળી જાય તો પણ શિક્ષણ સમિતિ પાસે રમત ગમત માટે તાલીમ આપે તેવા શિક્ષક નો દુષ્કાળ છે. હાલમાં શિક્ષણ સમિતિ પાસે 50 મેદાન છે અને રમત ગમતના ( પીટી ) શિક્ષકો પણ માંડ 50 છે તેમાંથી ઘણા નિવૃત્તિની આરે છે. જે પીટી શિક્ષકો છે તેમાંથી કેટલાક આચાર્ય છે અને બાકીના અન્ય વિષયો વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. છેલ્લા 25 વર્ષથી પીટી શિક્ષકોની ભરતી જ કરવામાં આવી નથી. જોકે, હાલમાં બજેટ માં ફાળવવામાં આવેલી જોગવાઈ નો ખર્ચ કરવાનો હોવાથી ખેલ સહાયક ( શિક્ષક) કરાર બેઝ લેવા આવી રહ્યા છે.
જો મેદાનની અછત અને વધુ તાલીમ વાળા કાયમી શિક્ષક ન હોવા છતાં સમિતિના વિદ્યાર્થીઓ ઝળકી રહ્યાં હોય તો વધુ સારી તાલીમ વાળા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તો અનેક વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભા બહાર આવી શકે તેમ હોવાથી કાયમી ખેલ શિક્ષકોની ભરતી કરવા માટે માંગણી થઈ રહી છે.