સુરતના એક માત્ર નાઈટ ફૂડ બજારની ડિઝાઇન સામે પ્રશ્ન, રી-ડિઝાઇન કરવા નિર્ણય
Surat Night Food Bazaar : સુરતના એક માત્ર નાઈટ ફૂડ બજારની ડિઝાઈન સામે પ્રશ્નો ઉભા થયા છે. વારંવારના ટેન્ડર છતાં નાઈટ બજારમાં સ્ટોલ માટે કોઈ આગળ ન આવતું નથી. 34 સ્ટોલ અને એક રેસ્ટોરન્ટ બનાવ્યા છે પરંતુ ફ્રન્ટ સાઈટના સ્ટોલ જ ભાડે માટે ઓફર આવે છે. હાલ માત્ર બે સ્ટોલ ભાડે આપવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. આ સાથે સ્થાયી સમિતિએ આ ફૂડ સ્ટોલ ભાડે ન જતાં હોય ડિઝાઇનમાં ખામી હોવાનું તારણ કાઢીને રી-ડિઝાઇન કરવા માટેનો નિર્ણય કર્યો છે.
સુરત પાલિકાના અઠવા ઝોનમાં પીપલોદ ખાતે આવેલા નાઈટ ફૂડ બજારમાં 34 ફૂડ સ્ટોલ અને ઉપર એક હોલ બનાવવામાં આવ્યો છે. તેમજ છેલ્લા ઘણા વર્ષોથી ઉપર બનાવાયેલા હોલ રેસ્ટોરન્ટ તરીકે લેવા માટે કોઈ એજન્સીએ રસ દાખવ્યો નથી. તેમજ આ ફૂડ બજારમાં ફ્રન્ટ સાઈડની દુકાનો જ ચાલે છે. પાછળની દુકાનોમાં ખાસ કોઈ જતું નથી, હાલ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા તેમાં પણ માત્ર બે જ સ્ટોલ માટેની ઓફર પાલિકાને મળી હતી તે ઓફર સ્થાયી સમિતિએ મંજુર રાખી છે.
સુરત પાલિકાએ અઠવા ઝોનમાં સુરત પાલિકાનું એક માત્ર નાઈટ બજારને રિનોવેશન માટે એક કરોડ જેટલી રકમનો ખર્ચ કર્યો હતો. પાલિકાએ આ બજાર ‘સ્ટ્રીટ ફૂડ હબ’ તરીકે ડેવલપ કરવામાં આવ્યું છે. સુરતના સ્વાદ રસિકો માટે ગ્રેનાઈટની બેઠક વ્યવસ્થા તેમજ હવા-ઉજાસ મળી રહે અને કચરાના નિકાલની વ્યવસ્થાનું પણ આધુનિકરણ કરાયું છે. સાથે સાથે દુકાનો પર પતરાના શેડ મુકી રીનોવેશન પણ કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર સરકારની બ્યુટિફિકેશન ઓફ સ્ટ્રીટ ફૂડ સ્કીમ હેઠળની ગ્રાન્ટ પણ પાલિકાને મળી છે પરંતુ આ ફૂડ સ્ટોલ ધમધમતો નથી.
હાલ બે સ્ટોલ માટે દરખાસ્ત રજુ થઈ હતી તે અંગે માહિતી આપતાં સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે કહ્યું હતું કે, વારંવાર ફૂડ સ્ટોલ અને રેસ્ટોરન્ટ અને હોલ ભાડે આપવા માટે ઓફર મંગાવવામા આવે છે પરંતુ તેમાંથી ફ્રન્ટ વિભાગમાં જે સ્ટોલ છે તેના માટે જ ઓફર આવે છે તે વિચારણા માંગી લે છે. આ ફૂડ સ્ટોલ પાલિકાનું એક માત્ર નાઈટ બજાર છે અને પ્રાઈમ લોકેશન સાથે રોડ પર છે તેમ છતાં કોઈ ઓફર કેમ આવતી નથી તેની વિચારણા થઈ રહી છે. અને તેમાં ડિઝાઈન ફોલ્ટી હોવાનું જણાઈ આવ્યું છે તેથી ખાણી પીણીના શોખીન સુરતીઓને ખાણીપીણી માટે એક સારું સ્પોટ મળે તે હેતુથી રી-ડિઝાઇન કરવા માટેનો નિર્ણય કરાયો છે અને તે માટે આગામી દિવસોમાં કામગીરી પણ કરવામાં આવશે.