પરીક્ષાની પૂર્વ સંધ્યાએ સર્જાયેલા અક્સ્માતમાં હાથ ભાંગ્યો વિદ્યાર્થિનીએ ધો.૧૨ની પરીક્ષા આપી
વડોદરાઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે.પરીક્ષાની પૂર્વ સંધ્યાએ સર્જાયેલા અકસ્માતમાં હાથનું હાડકું તુટી ગયું હોવા છતા હાથ પર પ્લાસ્ટર કરાવીને શહેરના ફતેપુરા, રાણાવાસ વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિની આજે ધો.૧૨ની પરીક્ષા આપવા માટે પહોંચી હતી.
આયુષી રાણા નામની વિદ્યાર્થિનીના માસી પાયલબેન રાણાએ કહ્યું હતું કે, આયુષીના મમ્મી પણ બીમાર છે અને તેઓ આઈસીયુમાં છે.પરીક્ષા આપતા પહેલા આયુષી મમ્મીની તબિયતને લઈને ચિંતામાં હતી અને તે બુધવારે સાંજે તેના કાકા સાથે મમ્મીની ખબર જોવા માટે ગઈ હતી.ત્યાંથી તે ટૂ વ્હીલર પર ઘરે પાછી આવતી હતી ત્યારે ફતેપુરા વિસ્તારમાં જ એક ગાડીની ટક્કર વાગતા સર્જાયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થઈ હતી.તેના હાથનું હાડકું તુટી ગયું હોવાથી અમે તેને ડોકટર પાસે લઈ ગયા હતા.
આયુષીના માસીએ આગળ કહ્યું હતું કે, તેના હાથમાં ઓપરેશન કરીને પ્લેટ નાંખવી પડશે.આયુષીને પરીક્ષા આપવી હોવાથી તેણે તાત્કાલિક ઓપરેશનની ના પાડી હતી.તે હોસ્પિટલમાં દાખલ થઈ છે.તેના ટેસ્ટ કર્યા બાદ ઓપરેશન ક્યારે કરવું તેનો નિર્ણય લેવાશે.તે શનિવારે બીજું પેપર આપવા માટે ફરી હોસ્પિટલમાંથી પરીક્ષા કેન્દ્ર જવા માંગે છે.હાથ પર ઈજા થઈ હોવાથી તે જાતે પેપર લખી શકે તેમ નહીં હોવાથી અમે ડીઈઓ કચેરી ખાતે ગયા હતા.કચેરીના અધિકારીએ અમને તાત્કાલિક રાઈટર માટે મંજૂરી આપી હતી.હજી તેને હાથમાં અસહ્ય પીડા થઈ રહી છે પરંતુ તે ગમે તે ભોગે પરીક્ષા આપવા માટે મક્કમ છે.
આખુ વર્ષ મહેનત કરી છે, પરીક્ષા તો આપવી જ હતી
ઈજાગ્રસ્ત આયુષીએ કહ્યું હતું કે, મેં આખું વર્ષ મહેનત કરી છે અને મારા માતા પિતાએ મને ભણવા માટે ઘણું પ્રોત્સાહન આપ્યું છે.આ સંજોગોમાં હું કોઈ પણ સંજોગોમાં મારુ વર્ષ બગડે તેમ ઈચ્છતી નહોતી અને મારે પરીક્ષા આપવી જ હતી એટલે મેં શક્ય હોય તો ઓપેરશન શુક્રવારે રાખવા માટે વિનંતી કરી હતી.કારણકે શુક્રવારે મારે પેપર નથી.જો આવતીકાલે ઓપરેશન થશે તો પણ હું શનિવારે પરીક્ષા આપવા જઈશ.