'કરોડોની મિલકત છતાં, ડોલરની લાલચે મારો પુત્ર અમેરિકા ગયો', ગેરકાયદે ગયેલા યુવકના પિતાનું નિવેદન
Donald Trump Deported Indian news | અમેરિકામાં ગેરકાયદે પહોંચેલા મહેસાણાના એક યુવકને ડિપોર્ટ કરીને તેના પરિવારને સુપરત કરાયો છે. ત્યારે યુવકના પિતાએ ચોંકાવનારી વાત જણાવી હતી કે તેમની પાસે 60 વિઘા જેટલી જમીન અને અન્ય મિલકતો છે. જેથી તેમણે તેમના પુત્રને અમેરિકા જવાને બદલે ગુજરાતમાં રહીને મોટો વ્યવસાય કરવાની સલાહ આપી હતી. પરંતુ, તે વાત માન્યો નહોતો અને અમેરિકા ગયો હતો. હવે તે પરત આવી ગયો છે. યુવક સાથે બનેલી તમામ બાબતને તેના પિતા એક સબક ગણાવે છે.
અમેરિકામાં ડોલર કમાવવાની લાલચમાં સૌથી વધારે લોકો મહેસાણા જિલ્લાના છે. અમેરિકાથી ડિપોર્ટ થયેલા 37 લોકો પૈકી એક યુવક મહેસાણા જિલ્લાનો વતની હતો. અમદાવાદ એરપોર્ટ પર તેને લેવા માટે તેના પિતા આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા ગયેલો યુવક તેમનો એકનો એક પુત્ર છે. તેમની પાસે ખેતીની 60 વિઘા જેટલી જમીન હોવા ઉપરાંત, કરોડોની મિલકતો પણ છે. સાથેસાથે પશુપાલનનો વ્યવસાય પણ ચાલે છે. જેથી સારી એવી આવક હોવાથી મારા પુત્રની સાથે તેની બે પેઢીને પણ મુશ્કેલી પડે તેમ નહોતી.
જેથી તેણે અમેરિકા જવાની જીદ કરતો હતો. ત્યારે તેને સમજાવ્યો હતો. પરંતુ, તે માન્યો નહોતો અને તેના મિત્રો સાથે મળીને એજન્ટને 35 લાખ રુપિયા આપીને ગેરકાયદે અમેરિકા ગયો હતો. જો કે તે પકડાઇ જતા ડીટેન્શન સેન્ટરમાં હતો. હવે તે વતનમાં પરત આવી ગયો છે ત્યારે તેને સમજાવટથી અમારા ખેતી પશુપાલનના વ્યવસાયમાં સક્રિય કરાવીશું.
સૌથી નવાઇની વાત એ હતી કે આ યુવકે અમેરિકા પહોંચ્યા બાદ તેની પત્નીને પણ ગેરકાયદે અમેરિકા બોલાવતો હતો. જો કે યુવકના પિતાએ તેની પુત્રવધુને અમેરિકા જવા દીધી નહોતી. ત્યારે યુવક સાથે બનેલી સમગ્ર ઘટનાને તેના પિતા એક સબક ગણાવે છે.