રૂા. 60 લાખનું દહેજ આપ્યું છતાં પતિ દગો કરી USA ન લઇ ગયો
રાજકોટમાં માવતરને ત્યાં રહેતી પરિણીતાની ફરિયાદ : હરિયાણાના કુરૂક્ષેત્ર જિલ્લામાં રહેતા સાસુ-સસરા સહિત 9 સાસરિયાઓ સામે ચોંકાવનારા આક્ષેપો
રાજકોટ, : પૂજારા પ્લોટ શેરી નં. 3માં સદગુરૂ પૂજા એપાર્ટમેન્ટમાં રહેતી નેન્સી નામની 25 વર્ષની પરિણીતાએ હરિયાણાના કુરૂક્ષેત્ર જિલ્લાના લાડવા ગામે રહેતા પતિ અંકુશ, સસરા ગણેશદાસ રામનાથ શર્મા, સાસુ કમલેશ, નણંદ પલક, મામાજી રાજપાલ શર્મા, મામીજી સુષ્મા ઉર્ફે સ્વાતિ, કાકાજી સસરા મહાવીર અને બીજા કાકાજી સસરા રણધીર શારીરિક-માનસિક ત્રાસ આપી, પતિએ USનું ગ્રીન કાર્ડ નહીં હોવા છતાં ખોટુ બોલી, દહેજ પેટે રૂા. ૬૦ લાખ લઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જેમાં નેન્સીબેને જણાવ્યું છે કે મેટ્રીમોનીયલ સાઇટ પરથી 2021માં અંકુશ સાથે તેનો પરિચય થયો હતો. તે વખતે અંકુશે તેને કહ્યું કે તે યુએસએના કેલિફોર્નિયામાં સરપંચ રોડલાઇન્સના નામે ટ્રાન્સપોર્ટનો બીઝનેસ કરે છે, તેની પાસે યુએસએનું ગ્રીન કાર્ડ છે. ૨૦૨૧ની સાલમાં અંકુશના પરિવારના સભ્યો તેને જોવા રાજકોટ આવ્યા હતાં અને જલવિધિ કરવા માટે તેને ચુંદડી ઓઢાડી હતી. થોડા સમય બાદ તે અને તેના માતા-પિતા હરિયાણા ગયા હતા. ત્યારે અંકુશના પિતાએ તેના પિતાને કહ્યું કે અમારે હરિયાણામાં દહેજ પ્રથા ચાલુ છે, જો છોકરો ઇન્ડિયા બહાર કમાતો હોય તો બે કરોડનું દહેજ નોર્મલ રીતે આપવું પડે છે, આખરે રૂા. ૭૧ લાખનું દહેજ આપવાનું નક્કી થયું હતું. લગ્નના બીજા દિવસે અંકુશની કોલેજ ફ્રેન્ડ આવી હતી. જેની સાથે અંકુશ દારૂ પી ચોંટીને બેસી ગયો હતો. લગ્ન બાદ તેના માતા-પિતાએ આવું ન ચાલે તેમ કહી તેને સમજાવ્યો હતો. લગ્ન બાદ સાસુ અને નણંદે તને જોઇને વળગાડ આવે છે તેવું નાટક શરૂ કરી તેને હેરાન-પરેશાન કરતાં હતાં. આ જ કારણથી ઘણી વખત તેની ઉપર હાથ ઉપાડી લઇ મારવા પણ દોડતા હતા. તેના પિતાએ રૂા. ૨૫ લાખ દહેજ પેટે આપ્યા હતાં. બે મહિના સુધી તે રાજકોટ રોકાઇ હતી. બાદમાં તેના માતા અને ભાઈ લાડવા મૂકવા આવ્યા હતાં. તે વખતે સસરાને દહેજ પેટે રૂા. 10 લાખ આપ્યા હતાં. આ પછી તે અવારનવાર અંકુશને વિઝાની પ્રોસીજર કરવાનું કહેતી હતી. એટલું જ નહીં તે દિલ્હી અને મુંબઇ બેથી ચાર વખત વિઝા માટે ગઇ હતી. પરંતુ ગમે તે કારણસર વિઝા કેન્સલ થતા હતા.