લસણના ભાવ બે માસથી આસમાનને આંબેલા હોવા છતાં માંગ યથાવત
- ડિસેમ્બરના અંત સુધી લસણના ઉંચા ભાવ યથાવત રહેશે
- શિયાળાની ઋતુમાં ઉંધિયું અને ઓળાની સિઝન જામતા લસણની માંગમાં દિન-પ્રતિદિન થઈ રહેલો ઉત્તરોત્તર વધારો
ભાવનગર શહેરની મુખ્ય અને પરા વિસ્તારોની શાકમાર્કેટમાં હાલ લસણ રૂા ૫૦ થી લઈને રૂા ૮૦ નુુ અઢીસો ગ્રામ તેમજ રૂા ૫૦૦ આસપાસના ભાવે એક કિલો લેખે લસણ વેચાઈ રહેલ છે. ગત વર્ષે પણ સૌરાષ્ટ્રના ગોંડલ સહિતના અનેક સ્થળોએ લસણનું વાવેતર પ્રમાણમાં ઓછુ થયુ હતુ. તેથી ગત પહેલા નોરતાથી જ લસણનો સ્ટોક ઘટી રહ્યો છે. હવે આગામી તા.૧૫ ફેબુ્રઆરી બાદ જ નવુ લસણ બજારમાં આવશે તેથી ત્યાં સુધી લસણના ભાવ ઘટવાની જરાપણ શકયતા નથી તેમ લસણના જથ્થાબંધ વિક્રેતાએ જણાવી વધુમાં ઉમેર્યુ હતુ કે, હવે સંગ્રહાયેલ લસણનો જથ્થો ઘટશે તો હાલના લસણના ભાવમાં પણ વધારો થાય તેવી આશંકા જણાઈ રહેલ છે. સામાન્ય રીતે દર વર્ષે શિયાળામાં ઓળા રોટલાની સીઝન તેમજ લીલાછમ્મ શાકભાજીની આવક વધતા ઉંધીયાનો વપરાશ દિન પ્રતિદિન વધે છે.એટલુ જ નહિ કાઠીયાવાડી ભોજન ઉપરાંત લગ્નસરાની સીઝન જામતા લસણ અને ડુંગળીનો ઉપાડ વધી રહ્યો છે તેથી હજુ ડિસેમ્બર મહિનાના અંત સુધી લોકોએ લસણના ઉંચા ભાવ ચૂકવવા તૈયાર રહેવુ પડશે ત્યાર બાદ ગોંડલ ઉપરાંત અન્ય રાજયોમાંથી નવી આવક ઉત્તરોત્તર વધતા લસણના ભાવમાં ઘટાડો થશે.