વડોદરામાં ગંદા પાણીનો પ્રશ્ન હલ કરવા ઠેક ઠેકાણે ખોદકામ પણ લાઈન અને ફોલ્ટ મળતા જ નથી
Vadodara Dirty Water : વડોદરામાં ભર શિયાળે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાનું પાણી દૂષિત મળી રહ્યું છે, જેના કારણે લોકો કોર્પોરેશનના શુદ્ધ પાણીના દાવા સામે સવાલો ઉઠાવી રહ્યા છે. શહેરના નવા યાર્ડ, લાલપુરા ,રામેશ્વરની ચાલ અને ભીલચાલમાં છેલ્લા કેટલાય દિવસોથી પીવાનું પાણી દૂષિત મળી રહ્યું છે, અને આ માટે દૂષિત પાણીનો ફોલ્ટ શોધવા ઠેક ઠેકાણે ખાડા ખોદવામાં આવ્યા છે, પરંતુ લાઈન અને ફોલ્ટ જ મળતા નથી. જ્યાં લાઈનો નથી ત્યાં પણ ખાડા ખોદવામાં આવે છે.
એક વૃદ્ધ મહિલાના ઘર પાસે 15 દિવસથી સાત ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે ,જેના કારણે તેને આવવા જવામાં પણ તકલીફ પડી રહી છે. લાઈન અને ફોલ્ટ ન મળવા છતાં ખોદેલા ખાડા પુરવામાં પણ આવતા નથી. વિસ્તારના રહીશોના કહેવા મુજબ અહીં 45 મિનિટ પાણી આવે છે, જેમાંથી શરૂઆતનું 25 મિનિટ જેટલું પાણી માત્ર માટી વાળું જ હોય છે, અને તે નકામું વહેતું જવા દેવું પડે છે. છેલ્લી 15 મિનિટ બાકી હોય ત્યારે પાણી ચોખ્ખું હોય તે સમયે ભરવામાં આવે છે. અહીં ચાલી વિસ્તાર હોવાથી ગલીઓ સાંકડી છે, જેના કારણે પાણીના ટ્રેક્ટર કે ટેન્કર પણ જઈ શકે તેવી સ્થિતિ નથી.