સરકારી શિષ્યવૃત્તિની ઉચાપત છતાં એક વર્ષથી ફરિયાદ નોધાતી ન હતી
ડમી વિદ્યાર્થી બતાવી ત્રણ વર્ષની શિષ્યવૃત્તિ હડપ થઇ હતી ઃ મુખ્યમંત્રીએ સુચના આપી અને પોલીસે ફરિયાદ નોધવી પડી
વડોદરા, તા.29 સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા એસએસસી પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરવા અનુસૂચિત જાતિ (એસસી)ના વિદ્યાર્થીઓને અપાતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં મોટાપાયે કૌભાંડનો પર્દાફાશ પાદરા તાલુકાના ધાયજ ગામના યુવાને કર્યા બાદ પણ અનેક આંદોલનો પછી પણ તંત્ર નહી જાગતા તાજેતરમાં મુખ્યમંત્રીની સીધી સુચનાથી આખરે ગાંધીનગર પોલીસે એક વર્ષની યુવાનની લડાઇ બાદ ફરિયાદ દાખલ કરવી પડી હતી.
આ અંગેની વિગત એવી છે કે પાદરા તાલુકાના ધાયજ ગામે વણકરવાસમાં તુલસીચોક ખાતે રહેતાં તેમજ એસસી જાતિના યુવાન પ્રતિક કનુભાઇ પરમારે એસએસસી બાદ પ્રવેશ માટે વરણામા હાઇવે પરની ખાનગી કોલેજમાં જૂન-૨૦૨૩માં પ્રવેશ લીધો હતો. કોલેજ તરફથી શિષ્યવૃત્તિ આપવા માટે વડોદરાની નર્મદાભવનમાં બીજા માળે આવેલી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી ખાતેથી ફ્રીશીપ કાર્ડ કઢાવવાનું કહ્યું હતું. કોલેજના સ્ટાફની સલાહ મુજબ પ્રતિક પરમારે નર્મદાભવન ખાતેની કચેરીમાં જઇને શિષ્યવૃત્તિ માટે ફ્રીશીપ કાર્ડ કાઢી આપવા માટે અરજી કરી ત્યારે ખબર પડી હતી કે પ્રતિક પરમારના નામે અગાઉ શિષ્યવૃત્તિ લેવાઇ ગઇ છે.
પોતાની કારકિર્દી સાથે ચેડાં કોણે કર્યા તે અંગે પ્રતિકે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગાંધીનગર જિલ્લાની એફડી મુબીન ઇન્સ્ટિટયૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી દહેગામ, બહીયાલમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા પ્રતિક પરમાર નામના ડમી વિદ્યાર્થીને વર્ષ ૨૦૧૮-૧૯માં અને ત્યારબાદ ત્રણ વર્ષ સુધી શિષ્યવૃત્તિની રકમ ચૂકવી દેવામાં આવી છે. આ રકમ શ્રી કડી નાગરિક સહકારી બેંક લી.ની અમદાવાદમાં સીટીએમ શાખાના એકાઉન્ટમાં જમા થઇ છે. એક વર્ષની આશરે રૃા.૬૦ હજાર ફી પેટે ત્રણ વર્ષની ફી અને અન્ય સહાય મળી કુલ રૃા.૨ લાખ જેટલી રકમ પ્રતિક પરમારના નામે અન્ય કોઇએ બારોબાર ચાઉં કરી લીધી છે.
શિષ્યવૃત્તિ પડાવવાના આ કૌભાંડને ઉજાગર કરવાનું નક્કી કરી પ્રતિક પરમારે વ્યક્તિગત રીતે લડત હાથમાં લીધી હતી અને પોલીસ, સમાજ કલ્યાણ કચેરીનો સંપર્ક તેમજ ગાંધીનગરથી પણ વિગતો એકત્ર કરી હતી. આ અંગે ફરિયાદ નોંધવા માટે તેણે લાંબો સમય સુધી તંત્ર સામે લડત લડી હતી. સરકારી નાણાંની ઉચાપત થઇ હોવાનું સ્પષ્ટ ફલિત થતું હોવા છતાં પોલીસ ફરિયાદ નોંધતી ન હતી. આખરે મુખ્યમંત્રીના સ્વાગત ફરિયાદ નિવારણમાં ફરિયાદ આપી હતી અને મુખ્યમંત્રીના આદેશથી ગાંધીનગર જિલ્લા પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી સરકારી નાણાંની ઉચાપતના કેસમાં તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.