ડિજિટલ વિધાનસભા માટે કરોડોનો ખર્ચ : ટેબલેટ આપ્યા છતાં ધારાસભ્યોની હજી કાગળ પર પ્રશ્નો મોકલવાની પ્રથા ચાલુ
Gujarat Assembly : નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન (NeVA) એ ડિજિટલ ઈન્ડિયા પહેલ હેઠળ સાંસદ- વિધાનસભાની કાયદાકીય પ્રક્રિયાને પેપરલેસ અને ડિજિટલ બનાવવાનો હતો. આ માટે ગુજરાત વિધાનસભાએ પારદર્શિતા વધારવા, શાસન સુધારવા અને કાયદાકીય પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે વર્ષ2023ના ચોમાસું સત્રમાં NeVA હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
કરોડોનો ખર્ચ અને પ્રચાર કર્યા બાદ પણ હજી પેપરલેસ સંપૂર્ણ રીતે સફળ થઈ નથી. ડિજિટલ કાર્યવાહી કરવા માટે ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોને ગૃહમાં પોતાના બેઠક પર એક ટેબલેટ આપવામાં આવ્યું છે અને એક બીજું ટેબલેટ તેઓને હેન્ડપીક આપવામાં આવ્યું છે, જેમાં ધારાસભ્યો પોતે જરૂરિયાત મુજબ ડિજિટલ ઉપયોગ કરી શકે.
વિધાનસભા દ્વારા 2.50 કરોડ રૂપીયાનો ખર્ચ કરી ધારાસભ્યો માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવા છતાં કેટલાય ધારાસભ્યો પોતાના પ્રશ્નો લેખિત સ્વરૂપમાં કાગળમાં લખીને જ મોકલે છે. ડિજિટલની વાત તો દૂર છે, કેટલાય ધારાસભ્યોના પ્રશ્નો હાથથી લખેલા હોય છે, તેઓ પ્રશ્નો ટાઈપ પણ કરતાં નથી.
વિધાનસભા સત્ર શરૂ થતાં પહેલા જ્યારે પ્રશ્નોતરી કાળ શરૂ થવાનો છે ત્યાં ધારાસભ્યો ધ્વારા હજી પણ કાગળ પેનથી પ્રશ્નો આપવામાં આવે આવી રહ્યા છે. આ રીતે પ્રશ્નો સત્તા પક્ષ અને વિપક્ષ બંને દ્વારા આપવામાં આવી રહ્યા છે. જે મુદ્દે વિધાનસભા ધ્વારા કોઈ સૂચના કે કડક વલણ અપનાવવામાં આવ્યું નથી. આ ઉપરાંત એ પણ માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી છે કે ધારાસભ્યોના પ્રશ્નો તેમના પક્ષના કાર્યાલયથી પણ મોકલવામાં આવે છે જ્યારે ધારાસભ્યો જાતે પ્રશ્નો પણ મોકલતા નથી.