સુરેન્દ્રનગરમાં જગ્યા ફાળવવા છતાં ગુજરી બજારમાં આવેલા ધંધાર્થીઓને હટાવાયા
- મેળાના મેદાનના બદલે 80 ફૂટ રોડ પર જગ્યા આપી હતી
- બાદમાં મેદાનની બહાર બેસવાની મંજૂરી આપી : આગામી રવિવારથી ફરજિયાત ફાળવેલી જગ્યાએ ધંધો કરવા તંત્રનું ફરમાન
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મનપાની ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો સહિત બજાર વિસ્તારમાં ઉભા રહેતા લારીધારકો સહિત છુટક ધંધાર્થીઓને હટાવી લેવામાં આવ્યા છે. ત્યારે શહેરની મધ્યમાં આવેલ મેળાના મેદાનમાં દર રવિવારે ભરાતી ગુજરી બજાર પણ બંધ કરી ત્યાં ધંધો કરતા છુટક ધંધાર્થીઓને અન્ય જગ્યા ફાળવવામાં આવતા તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો. આ મુદ્દે ગુજરી બજારમાં ધંધો કરતા છુટક ધંધાર્થીઓએ ટાવર પાસે રહેતા લઘુમતી સમાજના ધર્મગુરૂને મૌખીક રજૂઆતો કરી હતી.
સુરેન્દ્રનગરની મધ્યમાં આવેલા મેળાના મેદાનમાં છેલ્લા ઘણા વર્ષોથી દર રવિવારે ગુજરી બજાર ભરાય છે જ્યાં લારીધારકો તેમજ પાથરણાવાળાઓ જુના-નવા કપડા, ઈલેકટ્રીક આઈટમો, ભંગાર સહિતની અનેક પરચુરણ આઈટમોનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. માત્ર સુરેન્દ્રનગર જ નહિં પરંતુ જિલ્લા બહારથી પણ અનેક લોકો પેટીયું રડવા દર રવિવારે ગુજરી બજારમાં ધંધો કરવા ઉમટી પડે છે અને લોકો પણ મોટીસંખ્યામાં ગુજરી બજારમાંથી વસ્તુઓની ખરીદી કરે છે. બજાર કરતા ઓછા ભાવે અહિં દરેક વસ્તુઓ મળી રહેતા દર રવિવારે ગુજરી બજારમાં ભીડ ઉમટી પડે છે. ત્યારે તાજેતરમાં સુરેન્દ્રનગર મનપાની ટીમ દ્વારા મેળાનું મેદાન ખાલી કરાવી ત્યાં દર રવિવારે ભરાતી ગુજરી બજાર બંધ કરાવી ત્યાંના છુટક ધંધાર્થીઓને વઢવાણ ૮૦ ફુટ રોડ પર આવેલ ખુલ્લા મેદાનમાં જગ્યા ફાળવવામાં આવી છે. પરંતુ આ જગ્યા બજાર વિસ્તારથી દુર હોવાથી ગુજરી બજારના ધંધાર્થીઓ દ્વારા ત્યાં ધરાકી નહિં રહે તેમ જણાવી શહેરની મધ્યમાં જ જગ્યા ફાળવવાની માંગ કરી રહ્યાં છે.
આથી ૮૦ ફુટ રોડ પર તંત્ર દ્વારા ફાળવેલ જગ્યા પર ધંધો કરવા જવાને બદલે છુટક ધંધાર્થીઓ રાબેતા મુજબ મેળાના મેદાન ખાતે ગઈકાલે સવારે રવિવારના રોજ ધંધા માટે આવી પહોંચ્યા હતા પરંતુ મનપા તંત્ર અને પોલીસ દ્વારા તેઓને મેળાના મેદાનમાં બેસવા ન દેતા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો અને મોટીસંખ્યામાં મહિલાઓ સહિત છુટક ગુજરી બજારમાં ધંધો કરતા લારીધારકો, પાથરણાવાળાઓ સહિતનાઓ ટાવર રોડ પર રહેતા પીરેતરીકત મુસ્લીમ સમાજના ધર્મગુરૂના નિવાસ સ્થાને રજુઆત અર્થે ઉમટી પડયા હતા અને શહેરની મધ્યમાં જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી. જેને પગલે યુસુફબાપુ દ્વારા મનપાના કમીશ્નર સહિતની ટીમ સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને મ્યુ.કમીશ્નરના જણાવ્યા મુજબ હવે પછીના આવતા રવિવારથી ફરજીયાત દરેક ગુજરી બજારના ધંધાર્થીઓને ૮૦ ફુટ રોડ પર ફાળવેલ જગ્યાએ જ ધંધો કરવાનો રહેશે અને ગામમાં કોઈ ધંધાર્થીઓ નિયમોનું ઉલંધ્ધન કરતા જણાઈ આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જ્યારે છુટક ધંધાર્થીઓની રજુઆત અને હિતને ધ્યાને લઈ ગઈકાલે એક દિવસ પુરતું રવિવારના રોજ મેળાનું મેદાનને બદલે મેદાનની બહાર આવેલ રોડ પર તેમજ એન.ટી.એમ.સ્કૂલવાળા રોડ પર ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેવી રીતે બેસી ધંધો કરવાની મંજુરી આપી હતી.