અમદાવાદથી મહિને 1.78 લાખ વિદેશોના યાત્રિકો છતાં રાજકોટને ફ્લાઈટ નથી મળતી
અયોધ્યા ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ત્રણ માસમાં માત્ર 12 મુસાફરો : રાજકોટ ઉપરાંત કુશીનગર,ઈમ્ફાલ, તિરૂપતિ ઈન્ટરનેશનલ એરપોર્ટની સૂચિમાં છે પણ વિદેશની ફ્લાઈટ, મુસાફરોની સંખ્યા ઝીરો
રાજકોટ, : અમદાવાદમાં પી.પી.પી.મોડ પર ખાનગી કંપની દ્વારા ચાલતા આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં ચાલુ વર્ષના એપ્રિલથી જૂન ત્રણ માસ દરમિયાન 5,33,067 મુસાફરોએ વિદેશ મુસાફરી કરી છે એટલે કે મહિને સરેરાશ પોણા બે લાખ અને રોજ સરેરાશ ૬ હજાર મુસાફરો વિદેશ આવ-જા કરે છે અને આટલી મોટી સંખ્યામાં મુસાફરો હોવા છતાં રાજકોટ ખુદ વડાપ્રધાને ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જ લોકાર્પણ કરેલા હીરાસર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય વિમાન સુવિધા નહીં અપાતા અને તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા, સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ પણ નામ હોય એટલે ફ્લાઈટ ન મળી જાય તેમ કહેતા સૌરાષ્ટ્રને અન્યાય થયાનો અને મામુ બન્યાનો અહેસાસ થઈ રહ્યો છે.
ગત એપ્રિલથી જૂન માસ દરમિયાન દેશમાં સરકાર હસ્તકના 18 આંતરરાષ્ટ્રીય વિમાનમથકોમાં રાજકોટ ઉપરાંત ઈમ્ફાલ, તિરૂપતિ, કુશીનગર એ ત્રણ એરપોર્ટનું નામ એરપોર્ટ ઓથોરિટીના ઈન્ટરનેશનલની સૂચિમાં છે પરંતુ, ત્રણેય સ્થળે ત્રણ મહિનામાં ઝીરો મુસાફરો નોંધાયા છે તો દેશવિદેશમાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાથી ગાજેલા અયોધ્યાના ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પણ આ ત્રણ માસમાં માત્ર ૧૨ મુસાફરો નોંધાયા છે.
રાજકોટને જો ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ ન થતી હોય કે ન થવાની હોય તો નવા એરપોર્ટમાં રૂ।. 1405 કરોડના આંધણનો અર્થ શુ તે સવાલ ઉઠયો છે, કારણ કે રેસકોર્સ ખાતે જુના એરપોર્ટથી ડોમેસ્ટીક ફ્લાઈટ તો ઓપરેટ થતી જ હતી. અને નવું એરપોર્ટ તો શહેરથી 35 કિ.મી.દૂર હોય લોકોને આવવા જવામાં બે કલાકનો સમય પણ બગડે છે.
આ સ્થિતિમાં રાજકોટ ચેમ્બરે વધુ એક વાર કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી, રાજ્યકક્ષાના મંત્રી, રાજકોટના સાંસદ વગેરેને રાજકોટથી એરપોર્ટનો ટ્રાફિક વધી રહ્યો છે ત્યારે સત્વરે દુબઈ, સિંગાપોર,મલેશિયા સહિતની ફ્લાઈટ શરૂ કરવા, કસ્ટમ્સ અને ઈમીગ્રેશનની સુવિધા ઉભી કરવા માંગણી કરી છે. તો બીજી તરફ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રો અનુસાર આગામી ઓક્ટોબરથી માર્ચ શિયાળુ સત્ર દરમિયાન એરપોર્ટ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટે વિચારી શકે છે. હાલ સંભાવના નથી.