'માર્ગો ધોવાયા, ઘરવખરી પાણીમાં, ખેતીવાડીમાં તારાજી..', ગુજરાતમાં જળબંબાકાર બાદ કેવી છે સ્થિતિ
Gujarat Rain: ચોમાસાની સિઝનમાં અતિભારે વરસાદના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પારાવાર નુકશાન થયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઘણી જગ્યાએ આભ ફાટ્યું હોય તેવો વરસાદ થતાં માર્ગો ધોવાયા છે. ઘરવખરી પાણીમાં ગઈ છે. જનજીવન પ્રભાવિત બન્યું છે. જાનમાલની હાનિ થઈ છે.
પ્રભાવિત વિસ્તારોમાં રોગચાળો ફેલાવાનો ભય
આ વિસ્તારોમાં ખેતીવાડીમાં ભારે તારાજી થઈ છે. ખેડૂતોના ઉભા પાક ધોવાઇ ગયા છે. રાજ્ય સરકારની મશીનરી જેવી કે માર્ગો, વીજળીની લાઇનો અને નાગરિક પુરવઠાની સામગ્રીને અકલ્પનિય હાનિ પહોંચી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની જવાબદારી એટલા માટે વધી રહી છે કે પૂર અને અતિવૃષ્ટી પ્રભાવિત વિસ્તારોમાં રોગચાળો ફેલાવાનો ભય છે. ગુજરાતના 7 જિલ્લાઓ ભારે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત બન્યાં છે. રાજ્યમાં 5 હજાર કરતાં વધુ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે અને 700થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વડોદરા અને સુરત જિલ્લાની હાલત પણ નાજૂક બની છે. રાજ્યના ચીફ સેક્રેટરી અને અન્ય અધિકારીઓ જિલ્લા કલેક્ટરો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના સતત સંપર્કમાં છે.
નવા બનાવેલા બ્રિજને પારાવાર નુકશાન થયું
આવનારા દિવસોમાં ક્યાં કેટલો વરસાદ પડશે તે કલ્પી શકાય તેવું નથી પરંતુ જ્યાં અમર્યાદિત વરસાદ વરસ્યો છે ત્યાં માર્ગોનું ધોવાણ થયું છે. નવા બનાવેલા બ્રિજને પારાવાર નુકશાન થયું છે. વીજ પુરવઠાને પણ માઠી અસર પહોંચી છે. સંખ્યાબંધ વૃક્ષો પણ ધરાશાયી થયાં છે. ખરીફ સિઝનમાં ખેડૂતોએ વાવેતર કરેલા પાકોને જે નુકશાન થયું છે તેની વિગતો સર્વેક્ષણ પછી બહાર આવશે. રાજ્યમાં હાલની સ્થિતિએ જે જળાશયો, ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ ગયા છે કે ભયજનક સપાટીએ છે તે વિસ્તારોના વરસાદ, ઉપરવાસના વરસાદનું સતત મોનિટરિંગ કરી અને કમાન્ડ તથા કેચમેન્ટ વિસ્તારના લોકોની જાન-માલસલામતીના પગલાં લેવાય તેની રાજ્ય સરકાર દ્વારા તાકીદ કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાની સિઝનમાં 61 કરતાં વધુ લોકો તેમજ કેટલાક પશુઓના મોત થયાં છે. કેટલાક ગામો હજી પણ સંપર્ક વિહોણાં બન્યાં છે.
પૂરમાં ફસાયેલા વધુ 200 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા
ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિમાં પાણી અને પૂરમાં ફસાયેલા વધુ 200 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે. રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRF અને SDRFની ટુકડીઓએ બચાવ-રાહત અભિયાન શરૂ કર્યું છે જેમાં પશુઓને પણ ઉગારી લેવાયા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પૂર બચાવના કામોનું સતત મોનિટરીંગ કરવામાં આવે છે. આજે પોરબંદર જિલ્લાના ચિંગરીયા અને માંડેર ગામના નીચાણવાળા વિસ્તારામાં ફસાયેલા 6 લોકોનું રેસક્યુ કરવામાં આવ્યું હતું. નાના બાળકને મેડિકલ ઈમરજન્સી ઉભી થતા NDRFની ટીમે 2 બાળક, એક પુરુષ અને એ મહિલા સહિત કુલ 6 લોકોને સુરક્ષિત રીતે હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.
લોકોને આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા
એવી જ રીતે વડોદરા શહેરના વડસર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે ફસાયેલા 48 લોકોને NDRFની ટીમ દ્વારા સલામત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 19 પુરુષ, 15 મહિલા, 14 બાળકો અને એક નાના બાળકનો સમાવેશ થાય છે. આજવા સરોવરમાંથી પાણી છોડાતાં વિશ્વામિત્રી નદી કિનારાના સુખલી પુરા, કોટાલી, દેણા અને આસોજ ગામની નદીમાં જળસ્તર વધતા નદી કિનારાના સુખલીપૂરામાંથી 71 અને કોટાલીમાંથી 70 સહિત કુલ 141 લોકોને આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. આશ્રયસ્થાનોમાં આશરો લેતા લોકોને જિલ્લા પ્રશાસન દ્વારા ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકા તરબોળ, સૌથી વધુ ડોલવણમાં, આજે આ જિલ્લામાં એલર્ટ
નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો અસરગ્રસ્ત થયા
ભરૂચ જિલ્લામાં ઈન્દીરાનગર, બંબુસર, કરગાટ, પરિએજ, જંગાર અને જંબુસરના સામોદ વગેરે સ્થળોના સ્થળાંતરિત આશ્રિતો માટે ભોજન અને નિવાસની સુવિધા કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ અને વરસાદી પાણી ભરાવાના કારણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતરિત આશ્રિતોના વ્યક્તિઓને સુરક્ષિત રીતે ખસેડીને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો અસરગ્રસ્ત થયા છે. સુરતના ઓલપાડ તાલુકાના વાડોલી ગામ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા 4 લોકો ફસાયેલા હતા. સ્થાનિક પ્રશાસન અને NDRFની ટીમ દ્વારા ફસાયેલા તમામને અને પશુઓનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ ટુકડીઓ દ્વારા ગઈકાલે પણ 553 લોકોને બચાવી લેવાયા હતા.