ગોહિલવાડમાં ઉંચા ભાવ હોવા છતા ડિઝાઈનર માટલાના વેચાણમાં ઉછાળો
- શ્રમિક કારીગરોએ માટીના માટલાના ઉત્પાદનની પ્રક્રિયા વેગવંતી બનાવી
- ગરીબનાં ફ્રીઝ ગણાતાં માટલાનું પાણી સ્વાસ્થ્યદાયક હોય, વર્ષ દરમિયાન તેની ડિમાન્ડ ક્યારેય ઘટતી નથી
દિન પ્રતિદિન પ્લાસ્ટીકના વધી રહેલા બેફામ ઉપયોગને લઈને પર્યાવરણને વ્યાપક પ્રમાણમાં નુકશાન થઈ રહ્યુ છે ત્યારે ગોહિલવાડમાં ઠેર ઠેર રોજબરોજના ઉપયોગમાં લેવાતા માટીના વિવિધ વાસણોનું ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. શિયાળાની ઋતુના અંતિમ તબકકાથી શહેરના રૂવાપરી રોડ પર, ગંગાજળીયા તળાવ, કાળીયાબીડ, શહેર ફરતી સડક, શિવાજી સર્કલ તેમજ નારી રોડ પર આવેલા કુંભારવાડાઓમાં માટીના માટલાના ઉત્પાદનની પ્રક્રિયા શ્રમિક કારીગરો દ્વારા વેગવંતી બનાવાય છે.વિશેષ પ્રકારની માટીમાંથી મહામહેનતે તૈયાર કરાતા માટલા પર રંગબેરંગી કલરકામ કરી તેનું વેચાણ કરવામાં આવે છે. એટલુ જ નહી નાની અને મોટી સાઈઝના માટલા ઉપરાંત ઘરમાં વપરાતા માટીના અન્ય વાસણ જેવા કે રોટલી રાખવા માટેનું ગરવુ, ચા પીવા માટેની કુલડ,પાણીની નાની નાની બોટલ,કુકર, તાવડી, તવા, દીવડા, દિવેટીયા, શાક વઘારવા માટેનું ખાસ વાસણ તેમજ શોપીસ, પણ કુંભારવાડામાં બનાવાય છે.ભાવનગરમાં સાદા માટલા રૂા ૧૨૦ થી લઈને રંગબેરંગી ડિઝાઈનર માટલા રૂા ૪૦૦ આસપાસના ભાવે વેચાય છે. જે ઉપરોકત સ્થળો ઉપરાંત હવે તો પરા વિસ્તારોમાં નાના વાહનોમાં માટીના વાસણો વેચાવા શ્રમિક પરિવારો નિકળી પડતા હોય છે.
આયુર્વેદિક દ્રષ્ટિએ પણ અનેક ગુણધર્મોથી ભરપૂર માટલાનો ઉપયોગ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે આથી જ વર્ષ દરમિયાન માટલાની ડિમાન્ડ ઘટતી નથી.
ઉનાળામાં ગરમી વધતા ઠેર-ઠેર પાણીના પરબ ઉભા કરાશે
ઉનાળો જેમ જેમ જામશે ત્યારે અંગ દઝાડતી ગરમીમાં સામાજિક સંસ્થાઓ, વેપારી મંડળો દ્વારા શહેરની વિવિધ બજારોમાં તેમજ હાઈવે પર વાહનચાલકોને અને રાહદારીઓને તૃપ્ત કરતા પાણીના પરબ અથવા ઠંડા પાણીના નાના મોટા જગ ઠેર ઠેર જોવા મળશે. બારેય માસ માટીના માટલાઓ અને પરબ લોકોની ઠંડા પાણીની ગરજ સારે છે.