રૂા.1 લાખનો દેશી અને રૂા. 2.50 લાખનો અંગ્રેજી દારૂ પકડાય તો જ કવોલિટી કેસ
નશાબંધીની નીતિને કડક કરવાને બદલે ઢીલી કરે તેવો ગૃહ વિભાગનો પરિપત્ર : રાજ્ય સરકારે ચોપડા પર દેશી દારૂનો ભાવ સીધો દસ ગણો વધારી દીધો, અંગ્રેજી દારૂનો ભાવ યથાવત
રાજકોટ, : રાજયમાં ફારસરૂપ બની ગયેલી નશાબંધીની નીતિને કડક બનાવવાને બદલે તેને ઢીલી પાડે તેવો પરીપત્ર ગૃહ વિભાગે બહાર પાડયો છે. જે મુજબ હવે રૂા. 1 લાખનો દેશી દારૂ અને રૂા.2.50 લાખનો અંગ્રેજી દારૂ પકડાય તો જ તેને કવોલીટી કેસ ગણવામાં આવશે.રાજયમાં નશાબંધીની નીતિ હાસ્યસ્પદ બની ગઈ છે. રાજયમાં માંગો તેટલો દેશી અને અંગ્રેજી દારૂ છૂટથી મળી રહે છે તેવી એક છાપ છે. નશાબંધીની નિતિની અમલવારીમાં અત્યાર સુધીની તમામ સરકારો નિષ્ફળ જ નિવડી છે. એટલું જ નહીં રાજયભરમાં દેશી-અંગ્રેજી દારૂની માંગ દિવસેને દિવસે વધતી રહે છે. જેને કારણે શેરીએ ગલીએ બૂટલેગરો ફૂટી નિકળ્યા છે. રાજયમાં અનેક ચેકપોસ્ટ કાર્યરત છે. આમ છતાં તેને ભેદી રીતે વિંધી લાખો -કરોડો રૂપિયાનો દારૂ પરપ્રાંતમાંથી ગુજરાતમાં ઠલવાય છે. જે જોતા નશાબંધીની નિતિ હવે માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવું સહુ કોઈ અનુભવી રહ્યાં છે.
આ સંજોગોમાં નશાબંધીની નીતિને કડક બનાવવાને બદલે તેને ઢીલી પાડી દે તે પ્રકારનો પરીપત્ર ગૃહ વિભાગે બહાર પાડયો છે. જેને કારણે પોલીસને 'રાહત' મળે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. અગાઉ બીજી એજન્સી જયારે કોઈપણ પોલીસ મથકની હદમાંથી રૂા 15,000ની કિંમતનો દેશી અને રૂા. 25,000ની કિંમતનો અંગ્રેજી દારૂ પકડે તો તેને કવોલીટી કેસ ગણવામાં આવતો હતો.
જેને કારણે સ્થાનિક પોલીસને ઈન્કવાયરીનો સામનો કરવો પડતો હતો. પરંતુ ગૃહ વિભાગના નવા પરિપત્રથી સ્થાનિક પોલીસ સામેની ઈન્કવાયરીમાં અનેકગણો ઘટાડો થશે તેમ જાણકાર પોલીસ સૂત્રોનું કહેવું છે. કારણ કે એક લાખનો દેશી દારૂ જૂજ કિસ્સામાં પકડાય છે. આ સ્થિતિમાં સ્થાનિક પોલીસ ઈન્કવાયરીથી બચી જશે.
ગૃહ વિભાગે નવો પરિપત્ર બહાર પાડયો છે તે મુજબ હવેથી રૂા 1 લાખનો દેશી દારૂ અને રૂા 2.50લાખનો અંગ્રેજી દારૂ પકડાશે તો જ તેને કવોલીટી કેસ ગણવામાં આવશે. આ જ રીતે અગાઉ રૂા. 25,000 કે તેથી વધુ કિંમતનાં નશીલા પદાર્થ પકડાય તો તેને કવોલીટી કેસ ગણવામાં આવતો હતો. ગૃહ વિભાગનાં નવા પરિપત્ર મજુબ હવેથી રૂા 2.50 લાખ કે તેથી વધુના નશીલા પદાર્થ પકડાશે તો જ તેને કવોલીટી કેસ ગણવામાં આવશે.
અગાઉ પોલીસ દેશી દારૂ કબજે કરતી ત્યારે તેના એક લીટરનો ભાવ રૂા. 20 ગણતી હતી. ગૃહ વિભાગના નવા પરિપત્ર મુજબ હવે પોલીસે દેશી દારૂના એક લીટરનો ભાવ રૂા.ર૦૦, વોશ (આથા)નો ભાવ રૂા. 25 ગણવાનો રહેશે. જે અગાઉ રૂા. 2 હતો. હાલમાં પોલીસ અંગ્રેજી દારૂની એક બોટલની કિંમત રૂા.300 ગણે છે. જો સારી કવોલીટીનો દારૂ હોય તો રૂા. 450 થી 500 કે તેથી વધુ કિંમત ગણે છે. જોકે ગૃહ વિભાગના નવા પરિપત્રમાં અંગ્રેજી દારૂની કિંમતમાં કોઈ ફેરફાર કરાયો નથી.