જેઠાણીને બદનામ કરવા દેરાણીએ ફેસબૂક પર અભદ્ર પોસ્ટ મૂકી
દેરાણીને સમજાવવાનો પ્રયાસ કરતા તેણે કહ્યું, તારાથી થાય તે કરી લે, હું પોસ્ટ મૂકીશ જ
વડોદરા,લગ્ન પછી મનદુખ થતા પિયર જતી રહેલી દેરાણીએ સોશિયલ મીડિયા પર અભદ્ર પોસ્ટ કરી જેઠાણીને બદનામ કરવાની કોશિશ કરી હતી. દેરાણીને સમજાવવા છતાંય તેણે પોસ્ટ મૂકવાનુ ચાલુ રાખ્યું હતું. જે અંગે સમા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમા વિસ્તારમાં રહેતી ૩૧ વર્ષની ગૃહિણીએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,વર્ષ - ૨૦૨૦ માં મારા પતિ દાહોદમાં નોકરી કરતા હતા અને ત્યાં જ રહેતા હતા.મારા દિયર લગ્ન યુ.પી.ની એક યુવતી સાથે થયા હતા. લગ્ન પછી મારા દિયર અને દેરાણી અમારી સાથે દાહોદ રહેતા હતા. મારી દેરાણી અવાર - નવાર ઘરના લોકો સાથે નાની વાતોમાં પર મનદુખ રાખીને ઝઘડો કરતી હતી. જૂન - ૨૦૨૧ માં મારી દેરાણી મેરઠ તેના પિતાના ઘરે રહેવા જતી રહી હતી. તે અમારી સાથે ફક્ત ત્રણ - ચાર મહિના રહી હતી. ગત તા.૨૬ મી ડિસેમ્બરે મારી દેરાણીએ મને બદના કરવા માટે મારા વિશે ફેસબૂક પર અભદ્ર પોસ્ટ કરી હતી.જેમાં મારા વિશે ખૂબ જ ખરાબ શબ્દો લખ્યા હતા.આ વાતની જાણ મારા ભાઇને થતા તેઓએ મારી દેરાણીને ફોન કરી આવી પોસ્ટ નહીં કરવા માટે સમજાવી હતી અને કોન્ફરન્સમાં મારી સાથે પણ વાત કરાવી હતી. તેણે અમારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી તમારાથી થાય તે કરી લેજો. હું પોસ્ટ કરીશ જ. ત્યારબાદ પણ તેને સોશિયલ મીડિયા પર અલગ - અલગ પોસ્ટ કરી મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી, મેં તેના નંબરને બ્લેક લિસ્ટમાં મૂકી દીધો હતો. ત્યારબાદ પણ અન્ય નંબર પરથી તે મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરતી હતી. તે જ ેનંબર પરથી કોલ કરે તે નંબરને હું બ્લેક લિસ્ટમાં મૂકી દેતી હતી.