વઢવાણ પીજીવીસીએલના ના. ઇજનેર પાંચ હજારની લાંચ લેતા ઝડપાયો
વીજ કચેરીમાં એસીબી ટીમે છટકંુ ગોઠવ્યું
ખેતરમાં વીજ કનેકશન આપવા માટે લાંચની માંગણી કરતા અધિકારી એસીબીની ટ્રેપમાં ફસાયો
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ મોટાભાગની સરકારી કચેરીઓમાં અરજદારોને પોતાના કામ માટે અધિકારીઓથી લઈ કર્મચારીઓને લાંચ આપવી પડતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જેમાં અગાઉ પણ જીલ્લાની સરકારી કચેરીઓમાં લાંચ લેતા અધિકારીઓ એસીબીના રંગેહાથે ઝડપાઈ ચુક્યા છે ત્યારે સુરેન્દ્રનગર એસીબી પોલીસે વઢવાણ પીજીવીસીએલ પેટા કચેરીના નાયબ એન્જીનીયરને રોકડ રકમની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથરી છે.
વઢવાણ શહેરી વિસ્તારમાં આવેલી પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરીમાં નાયબ એન્જીનીયર પરેશકુમાર વિઠ્ઠલદાસ પંચાલ (વર્ગ-૧)એ ફરિયાદીના મોટાબાપુએ ખેતરમાં વિજકનેકશન મેળવવા વઢવાણ પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરી ખાતે અરજી કરી હતી. આ વિજ કનેકશન આપવા માટેની કાર્યવાહી માટે નાયબ એન્જીનીયર પી.વી.પંચાલે રૂા.૫,૦૦૦ની લાંચ માંગી હતી જે ફરિયાદી આપવા માંગતા ન હોવાથી આ અંગે સુરેન્દ્રનગર એસીબી પોલીસને ફરિયાદ કરી હતી. આથી રાજકોટ એસીબીના સુપરવીઝન હેઠળ સુરેન્દ્રનગર એસીબી પીઆઈ સહિતની ટીમે વઢવાણ પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરી ખાતે છટકુ ગોઠવ્યું હતું જેમાં નાયબ એન્જીનીયર પી.વી.પંચાલને રૂા.૫,૦૦૦ની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધા હતા અને એસીબી પોલીસ મથકે લાવી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પીજીવીસીએલ કચેરીના નાયબ એન્જીનીયર લાંચ લેતા ઝડપાતા પીજીવીસીએલના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
- વીજ કચેરીમાં દરેક કામ માટે લાંચ આપવી પડતી હોવાની ફરિયાદ
આ મામલે સ્થાનીક જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ પીજીવીસીએલ કચેરીમાં નવા વિજ કનેકશન, વિજ કનેકશન ટ્રાન્સફર કરવા, મીટર બદલાવવા, ટીસી બદલાવવા સહિતની મોટાભાગની તમામ કામગીરી માટે કર્મચારીઓથી લઈ અધિકારીઓ સુધી લાંચ આપવી પડતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.