આશ્વર્યમ...નર્મદા નદી પર બની રહેલા પુલના 4 'વેલ ફાઉન્ડેશન'ની ઉંચાઇ દિલ્હીના કુતુબ મિનાર જેટલી, જાણો ખાસિયતો
વડોદરા : અમદાવાદથી મુંબઇને હાઇ સ્પીડ રેલ કનેક્ટિવિટીથી જોડતા 508 કિ.મી.ના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હવે તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. 320 કિ.મી.ની મહતમ ઝડપે દોડનારી બુટેલ ટ્રેનનો ટ્રેક વડોદરા સુતર વચ્ચે ભરૂચ નજીક નર્મદા નદી ઉપરથી પસાર થઇ રહ્યો છે. 1.4 કિ.મી. લાંબા નર્મદા નદી ઉપરના બુલેટ ટ્રેનના બ્રિજનું કામ આ પ્રોજેક્ટના સૌથી પડકારજનક કામ પૈકીનુ એક હતુ અને તેનું ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થવાના આરે છે તેમ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે.
બુલેટ ટ્રેનના રૂટ ઉપર ગુજરાત અને મહારાષ્ટ્રમાં મળીને કુલ 24 પુલ બની રહ્યા છે જેમાંથી નર્મદા નદી ઉપરનો પુલ સૌથી મોટો છે. આ પુલના નિર્માણ માટે નદીની અંદર પાયા તૈયાર કરવા માટે 'વેલ ફાઉન્ડેશન' પદ્ધતિનો ઉપયોગ કરાયો છે. વિશાળ નદીઓ ઉપર પુલ તૈયાર કરવા માટે પાયા બનાવવાની 'વેલ ફાઉન્ડેશન' પદ્ધતિ જુની અને સુરક્ષિત હોવાથી આજે પણ તેનો ઉપયોગ થઇ રહ્યો છે. નદીના તળિયાથી ખુબ ઊંડાઇ સુધી નળાકાર (ગોળાઇ વાળો) પાયો તૈયાર કરવામાં આવે છે જે અંદરથી પોલો હોય છે. પાયો તૈયાર થયા બાદ તેના ઉપર પિલર બને છે અને તેના ઉપર પુલ આકાર પામે છે.
નર્મદા નદી ઉપર બની રહેલા પુલ માટે આવા 25 'વેલ ફાઉન્ડેશન' ની જરૂર છે જેમાંથી 19 તૈયાર થઇ ગયા છે. જાણીને આશ્વર્ય થશે કે 25 'વેલ ફાઉન્ડેશન' પૈકી 4 'વેલ ફાઉન્ડેશન' ની ઊંડાઇ 72.5 મીટર છે અને આ ચારમાં સૌથી ઊંડુ 'વેલ ફાઉન્ડેશન' 77 મીટરનું છે. આ ચાર 'વેલ ફાઉન્ડેશન' ની લંબાઇ જોવા જઇએ તો દિલ્હીના કુતુબ મિનાર જેટલી છે જે પૈકી એક તો કુતુબ મિનાર કરતા પણ 4.5 મીટર વધુ લંબાઇ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે કુતુબ મિનારની લંબાઇ (ઊંચાઇ) 72.5 મીટર છે. મોટા ભાગના 'વેલ ફાઉન્ડેશન' તૈયાર થઇ જતા હવે તેના ઉપર પિલર તૈયાર કરવાની કામગીર શરૂ કરવામાં આવશે.