'દીકરી યુરોપ ફરવા જવાનું કહીને ગઇ હતી...', અમેરિકાથી પરત આવેલી મહેસાણાની યુવતીના પિતાની વ્યથા
USA Returned Illegal Indian Immigrants : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે અમેરિકામાં રહેતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ વિરૂદ્ધ કડક વલણ અપનાવ્યું છે. અમેરિકાથી આજે 104 ભારતીયોને ભારત પરત મોકલાયા છે. આ ભારતીયોમાં 33 ગુજરાતીઓ પણ સામેલ છે. આ લોકોમાં મોટાભાગના લોકો મૂળ મહેસાણા જિલ્લાના રહેવાસી છે. હવે અમેરિકાથી ડિપોર્ટ થયેલી મહેસાણાની એક યુવતીના પરિજનોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથ વ્યક્ત કરી છે.
મહેસાણાના પરિવારની વ્યથા
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાં ગુજરાતના મહેસાણાની ઉર્વશી (નામ બદલેલ છે) પણ સામેલ છે. ઉર્વશીનો પરિવાર મહેસાણાના વિજાપુરમાં આવેલા દાભલા ગામમાં રહે છે. ઉર્વશીના પિતા કનુભાઇ પટેલે આ અંગે મીડિયાને જણાવ્યું કે, 'એક મહિના પહેલા મારી દીકરી તેની બે સહેલીઓ સાથે યુરોપની વિઝા લઇને ફરવા ગઇ હતી, તેણે અમને કહ્યું હતું કે તે યુરોપ ફરવા જઇ રહ છે, તેણે અમને જાણ નહોતી કરી કે તે અમેરિકા જવાની છે.'
અમને કોઇ જાણ ન કરીઃ કનુભાઇ
કનુભાઇએ વધુમાં જણાવ્યું કે, 'ઉર્વશી સાથે અમારી વાત છેલ્લી વખત 14-15 જાન્યુઆરીએ થઇ હતી. તે સમયે તેણે અમને કહ્યું હતું કે, તે યુરોપમાં છે. તેણે અમને તે સમયે પણ જાણ નહોતી કરી કે તે અમેરિકામાં છે. અમને મીડિયા દ્વારા જ જાણ થઇ કે અમેરિકાથી 33 ગુજરાતીઓને ડિપોર્ટ કરાયા છે અને ઉર્વશી તેમાં સામેલ છે. તાજેતરમાં જે તેણે M.Sc. નો અભ્યાસ પૂર્ણ કર્યો છે, પરંતુ તેની પાસે અહિંયા કોઇ જોબ નહોતી.'
ટ્રમ્પનો નિર્ણય ખોટો
કનુભાઇએ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને ખોટો ગણાવતા કહ્યું કે, 'અમેરિકાના રાષ્ટ્રપતિએ ખોટો નિર્ણય લીધો છે, અમેરિકામાં ગુજરાત અને પંજાબના ઘણા લોકો રહે છે, તેમને પરત ન મોકલવા જોઇએ. લોકો ઘણાં રૂપિયા ખર્ચ કરીને ત્યાં જાય છે. પછી તેમને આવી રીતે પરત મોકલવામાં આવે છે તો પરિજનોને તકલીફ થાય છે. ઉર્વશીના અમેરિકાથી પરત ફરવાના સમાચાર સાંભળી પરિવારમાં બધા ચિંતામાં છે.'
ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સાથે ગુનેગારો જેવું વર્તન
ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ અમેરિકાએ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. મેક્સિકો, ભારત, પાકિસ્તાન, ક્યુબા અને ઘણા આફ્રિકન દેશોમાંથી આવેલા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. આ અંગે કેટલાક ચોંકાવનારી તસવીરો પણ સામે આવી રહી છે. આ તસવીરોમાં, અમેરિકન સેના અને પોલીસ ગુનેગારોની જેમ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના હાથ-પગ બાંધીને તેમને વિમાનોમાં ધકેલી રહ્યા છે. કેટલાક લોકોના હાથમાં સાંકળો બાંધેલી પણ જોવા મળે છે. જે પછી સોશિયલ મીડિયા પર ટ્રમ્પ સરકાર વિરૂદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યું છે.