જિલ્લાના 12000 હેક્ટરની સામે માત્ર 20 હેક્ટરના ફોર્મ ભરાતા સિંચાઇ વિભાગે તારીખ લંબાવી
- શેત્રુંજી બન્ને કાંઠાની સિંચાઇ યોજના માટે
- સલાહકાર સમિતિની બેઠક તોફાની રહી, કેનાલોની સફાઇ કામગીરીમાં લોલમલોલ થતી હોવાનો આક્ષેપ
ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમના જમણા અને ડાબા કાંઠાની કેનાલ વાટે પીયત માટે પાણી તબક્કાવાર છોડવામાં આવે છે પરંતુ છેવાડાના ગામોને આ પાણીનો લાભ મળતો ન હોવાનો કકળાટ કાયમી બન્યો છે જે માટે કેનાલમાં પાણીને અવરોધતો કચરો, માટી નિયમિત સાફ કરવો જરૂરી બને છએ ત્યારે દાઠા, ઉચડી, સથરા, કોળિયાક સેક્સનમાં કેનાલ સફાઇ, રિપેરનું કામ ઢંગધડા વગરનું થતું હોવાના આક્ષેપ તાજેતરની શેત્રુંજી ડેમ સલાહકાર સમિતિની મળેલ બેઠકમાં ઉઠવા પામ્યા હતાં અને આ કામ ફરી કરાવવા માંગણી કરાઇ છે. સાથોસાથ જમણા કાંઠાના સથરાથી ડેમ અને ડેમથી ડાબા કાંઠા અવાણીયા સુધી બાઇક રેલી કાઢવાની પણ ચિમકી ખેડૂત આગેવાનોએ ઉચ્ચારી હતી. જો કે, આ સંદર્ભે સિંચાઇ વિભાગના અધિકારીએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, જમણા કાંઠાની કેનાલમાં રાજસ્થળી, ઠાડચ, સાંગાણા, કામરોળ, સાંકડાસર, ઉચડી, જાગધાર, ફુલસરની કેનાલની સફાઇ થઇ ચુકી છે તો ડાબા કાંઠામાં ડેમ પીંગળી, ટીમાણા, અનીડા, ભુતિયા, ભદ્રાવળની કેનાલની સફાઇ પણ કરી હોવાનો દાવો કરી રહ્યા છે. તો ૩૦ ટકા મેઇન-માઇનોર કેનાલના કામ બાકી છે. જે આગામી એક સપ્તાહમાં પૂર્ણ કરાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. આમ કેનાલ સફાઇ તો થાય છે પણ નિયમાનુસાર તેની સફાઇ થાય તે પણ જરૂરી છે અન્યથા ઉપરવાસ સુધી પાણી પહોંચવું મુશ્કેલ બને છે. જ્યારે ૧૨૦૦૦ હેક્ટર સામે પાણી મેળવવા ફોર્મ ભરવાનું શરૂ થયા બાદ આજ સુધી માત્ર ૨૦ હેક્ટરના ફોર્મ આવ્યા હોવાનું જણાયું છે જેથી ખેડૂતોમાં પણ ફોર્મ ભરવાને લઇ જાગૃતિ આવવી જરૂરી છે. નિયત સમયમાં નિયત ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થાય તો પાણી નિયત સમયે છોડી શકાય. સિંચાઇ વિભાગ દ્વારા ૩૧-૧૨ સુધીમાં ફોર્મ મંગાવવામાં આવ્યા હતા પરંતુ માત્ર ૨૦ હેક્ટરના ફોર્મ આવતા આ મુદત વધારી ૩૧ જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય કરાયો હોવાનું જણાયું છે.
જમણા કાંઠાની કેનાલ વધારવા જમીન આપ્યાના 30 વર્ષે પણ પાણી આવ્યું નથી
વર્ષ ૧૯૯૪માં જમણા કાંઠે છેવાડે આવેલ તરેડી, સથરા, વાલાવાવ, ભાદ્રોડ, વડલી વગેરે ગામોના ખેડૂતોની જમીન કેનાલ માટે સંપાદન કરવામાં આવી હતી પરંતુ ટેકનીકલ ફોલ્ટના કારણે તે સમયે અને હાલ ૩૦ વર્ષ બાદ પણ કેનાલ વાટે પીયત પાણી આપી શકાયું ન હોય ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે જેથી કેનાલ વાટે પાણી આપો અથવા જમીન પરત આપો તેવી માંગણીઓ ઉઠવા પામી છે અને તે અંગેનો ઠરાવ પણ મિટીંગમાં મંજુર કરાયો હતો. જો કે, આ અંગે સરકારમાં દરખાસ્ત કરવાની કામગીરી હાથ ધરાશે તેમ સિંચાઇ અધિકારીએ જણાવ્યું હતું.
ગત વર્ષે 7000 હેક્ટરનું પાણી ચોરાયું કે વેડફાયું !
શેત્રુંજી સિંચાઇ વિભાગ દ્વારા ગત વર્ષે ૧૨૦૦૦ હેક્ટર માટે બન્ને કેનાલ વાટે પાણી છોડાયું હતું જેમાં ૪૦૦૦ હેક્ટરના ફોર્મ ભરાયા હતાં તો ચેકીંગ દરમિયાન ૧૦૦૦ હેક્ટરમાં પાણી ચોરી ઝડપાઇ હતી. આમ ૫૦૦૦ હેક્ટરનો હિસાબ મળે છે પરંતુ ૭૦૦૦ હેક્ટરનું પીયતનું પાણી ક્યાં ગયું તેનો અંદાજ ખુદ તંત્ર પાસે પણ નથી. આ પાણી ચોરાયું છે કે વેડફાયું છે તેવા સવાલો પણ સલાહકાર સમિતિની બેઠકમાં ચર્ચાયો હતો.