સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં DEOનો રિપોર્ટ, શાળાને બચાવવા મામલો ઉંધા પાટે ચડાવવાનો પ્રયાસ?
Adarsh Public School : સુરત શહેરમાંથી સમગ્ર શિક્ષણ જગત માટે કલંકરૂપ ઘટના બની છે. આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી ભાવના ખટીકને ફી ભરવા બાબતે વારંવાર ટોર્ચર કરવામાં આવતાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાના પરિવાજનો આક્ષેપ કર્યા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ માટે શિક્ષણ વિભાગના વર્ગ 2ના 5 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા બે દિવસની તપાસ બાદ રિપોર્ટ સબમીટ કર્યો છે, જેમાં મોટો ઘટસ્ફોટ થયો છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થિનીએ ફીને લઇને નહી પરંતુ પારિવારિક કારણોસર આપઘાત કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યું છે. આ રિપોર્ટને જોતાં લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક શાળાને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસે પણ તપાસની ખાતરી આપી હતી પણ તેમણે પણ હકિકત સામે બહાર લાવવાના પ્રયાસ કર્યા હોય તેવું લાગતું નથી. કદાચ એટલે જ ડીડીઓએ તાત્કાલિક તપાસના આદેશ આપી ટીમ બનાવી દીધી કે જેથી સમગ્ર મામલા પર ઠંડુ પાણી રેડી શકાય.
શાળાના આચાર્યએ ફેલાવ્યું જુઠ્ઠાણું
આત્મહત્યાની ઘટના સામે આવી ત્યારે શાળાના આચાર્યએ નિવેદન આપ્યું હતું કે, કે 'દીકરીને 2-5 મિનિટ જ બેસાડી હતી', પરંતુ 10 તારીખના સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે વિદ્યાર્થિનીએ ફી ન ભરી હોવાથી તેને પરીક્ષામાં ન બેસવા દીધી અને એકથી દોઢ કલાક સુધી કોમ્યુટર લેબમાં બેસાડી રાખવામાં આવી હતી.
ફી માટે કરાતી હતી ટોર્ચર
પીડિત દિકરીને કેટલી ટોર્ચર કરાઈ હસે તે શાળાના સીસીટીવી જોઈને જ ખબર પડી જાય છે. એક તરફ ફીની ઉઘરાણી અને તે ભરી ન હોવાથી પરીક્ષા પણ ન આપવા દીધી. આ આઘાતના કારણે જ દીકરી કોમ્પ્યુટર લેબમાં રડતી અને પોતાના આંસુ લૂછતી કેમેરામાં કેદ થયેલી જોવા મળી હતી
દીકરીની માતા-આચાર્ય વચ્ચેની વાતચીત થઈ હતી વાઈરલ
વિદ્યાર્થિનીની માતા અને પ્રિન્સિપાલ વચ્ચેની વાતનો ઓડિયા વાઈરલ થયો હતો, તેમાં પણ ફી બાકી હોવાની અને જલદી ભરી જવાની વાત આચાર્ય કરી રહ્યા છે. સાથે જ 'તમે ફી નહી ભરો તો શાળાના સ્ટાફનો પગાર, લાઈટ બિલ કેવી રીતે ભરીશું' એવી પોકળ વાતો કરતા સાંભળવા મળે છે. ત્યારે સવાલ એ થાય છે કે, એક વિદ્યાર્થી જો ફી ન ભરે કે લેટ ભરે તો શું સમગ્ર શાળાનું આર્થિક સંચાલન ખોરવાઈ જાય ખરું? ફી નહોતી ભરી તો ભરી દેવાના જ હતાને, પણ તેના માટે દીકરીને પરીક્ષા જ ન આપવા દેવી એ કયા પ્રકારનો ન્યાય કહેવાય
યુવતીને અફેર હોવાની ફેલાવાઈ વાત
સમગ્ર તપાસમાં શાળાનો વાંક કોઈ નથી એવું દર્શાવવામાં આવ્યું છે, સાથે જ વિદ્યાર્થિનીને કોઈની સાથે અફેર હોવાની વાત પણ વહેતી કરાઈ હતી. કોઈ શાળા પોતાની શાખ બચાવવા આટલી હદે પણ જઈ શકે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
રિપોર્ટમાં શું સામે આવ્યું?
કમિટીના તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે શાળા દ્વારા ફીના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ધોરણ 8 સુધી 15 હજાર ફીનો નિયમ હોવાછતાં 17 હજાર ફી વસૂલમાં આવતી હતી. તો બીજી તરફ આદર્શ પબ્લિક સ્કૂલ એક બંગલામાં ચાલતી હતી, જ્યાં ફાયર સેફ્ટીનો પણ અભાવ હતો. સ્કૂલમાં ઇમરજન્સી માટે કોઇ સીડી વ્યવસ્થા અને રમત-ગમતનું મેદાન પણ ન હતું. સ્કૂલમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ તેમજ પ્રિન્સિપાલ ભૂતિયા હોવાની પોલ ઉઘાડી પડી છે. આ તમામ બેદરકારીઓને લઈને DEO દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઓડિયા દ્વારા ખૂલી પોલ
નોંધનીય છે કે, વિદ્યાર્થિનીના આપઘાત બાદ શાળાના સંચાલકોએ ફી મુદ્દે વાલીના આક્ષેપોને નકારી હાથ ખંખેરી દીધા હતાં અને ફી મુદ્દે કોઈ દબાણ ન કરવાનો દાવો કર્યો હતો. બાદમાં વિદ્યાર્થિનીની માતાએ શાળાના આચાર્ય દ્વારા કરાયેલા ફોન કૉલનો ઓડિયા જાહેર કર્યો હતો. આ ઓડિયોમાં આચાર્યએ જાતે સ્વીકાર્યું છે કે, વિદ્યાર્થિનીની ફી ન ભરાઈ હોવાના કારણે તેને પરીક્ષામાં બેસવા દેવામાં નથી આવી.
મામલો દબાવવાનો પ્રયાસ?
પોલીસે પણ તપાસની ખાતરી આપી હતી પણ તેમણે પણ હકિકત સામે બહાર લાવવાના પ્રયાસ કર્યા હોય તેવું લાગતું નથી. કદાચ એટલે જ ડીડીઓએ તાત્કાલિક તપાસના આદેશ આપી ટીમ બનાવી દીધી કે જેથી સમગ્ર મામલો દબાવી દઈ શકાય
દીકરીના માનસ પર કેવી ગંભીર અસર થઈ હશે
આવી નિર્દય શાળા અને તેના સ્ટાફના વર્તનના કારણે એ દીકરીના માનસ પર કેવી ગંભીર અસર થઈ હશે, એક તરફ પરિવારે તેની આર્થિક સ્થિતિના કારણે ફી નહીં ભરી હોય અને બીજી તરફ તેને શાળામાં ફી માટે રોજ ટોર્ચર કરાતી હશે, અને એ પણ આખા ક્લાસ વચ્ચે. આવું થાય તો નાનું બાળક ભાંગી જ પડે, માનસિક રીતે તૂટી જાય અને પછી પરિવારની હાલત જોઈ પોતાના પિતાને ફી માટે વારંવાર ન કહી શકનાર દીકરીએ છેવટે આપઘાત કરવાની ફરજ પડી હશે તે વાત નકારી શકાય તેવી નથી લાગતી.
માસુમના હત્યારા કોણ કોણ?
જે શાળામાંથી વિદ્યાર્થીઓને જિંદગી જીવવા અને જીતવાની જડીબૂટી મળવી જોઈએ તેના બદલે તેને શાબ્દિક ઝેર મળ્યું, અત્યાચાર મળ્યો અને છેવટે દિકરીએ આપઘાત કર્યો હોઈ શકે છે. અને તેથી જ દીકરી સાથે આવું કરનારા તમામ લોકો આ માસુમના હત્યારા જ કહેવાય.
...નહીં તો આવી ઘટનાઓ બનતી જ રહેશે
સુરત પોલીસ ખરેખર માનવતા રાખી સમગ્ર હકિકતની તલ સ્પર્શી તપાસ કરે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે તે જરૂરી છે. અને તે પણ કોઈના દબાવમાં આવ્યા વગર. નહીં તો ફિના ચક્રવ્યુહમાં ફસાયેલા આવા પરિવારો અને તેમના સંતાનો આજ રીતે આ ફાની દુનિયા આકસ્મિક રીતે છોડીને જતા રહેશે, અને પછી આવા કિસ્સાઓ સમાચારની હેડલાઈનમાં થોડા દિવસ આવ્યા પછી ભુલાઈ જશે, અને ફરી પાછી આવી બીજી ઘટના બનશે.
શું હતી સમગ્ર ઘટના?
સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ મંગળવારે (21 જાન્યુઆરી) આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થિની ગોડાદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, ફી નહીં ભરવાના કારણે વિદ્યાર્થિનીને બે દિવસ શાળાના સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી. વિદ્યાર્થિની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી, ફી માટે દબાણ કરતા રહ્યા. આખરે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. જોકે વિદ્યાર્થિનીના આપઘાતનું સાચું કારણ જાણવા માટે ગોડાદરા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.