ગાંધીનગરમાં જૂની પેન્શન યોજના સહિતની માગણીઓને લઈને સરકારી કર્મચારીઓના દેખાવ
Gandhinagar News: દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં અલગ-અલગ સરકારી વિભાગો દ્વારા પોતાના પડતર પ્રશ્નોની માગને લઈને આંદોલન શરૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે જૂની પેન્શન યોજના સહિત પડતર માગણીઓને લઈ રાજ્યના શિક્ષકો દ્વારા સતત આંદોલન કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ગાંધીનગરમાં આજે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચો તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં કર્મચારીઓને વિધાનસભા તરફ કૂચ કરી હતી. જો કે, તેમને પોલીસે અટકાવ્યા હતા.
સરકારને અનેક રજૂઆત કરી
રાજ્યભરના શિક્ષકો છેલ્લા ઘણાં સમયથી જૂની પેન્શન યોજના તથા પ્રશ્નોને લઈને સરકારને અનેક રજૂઆત કરી ચૂક્યા છે. જેમાંથી સરકાર સાથે બેઠક કરીને કેટલીક માગણીઓ પૂરી કરવા માટે સરકારે બાંહેધરી આપી હતી. પરંતુ તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જૂની પેન્શન યોજના સહિતની પડતર માગણીઓને લઈને કર્મચારીઓ સરકાર સામે લડત આપી રહ્યા છે. રાજ્યનાં જુદાં-જુદાં સરકારી ખાતાંના કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે વિવિધ આંદોલનો કરીને પોતાના પ્રશ્નો હલ કરવા લડત લડી રહ્યા છે.