વડોદરા શહેરમાં દબાણ હટાવો કાર્યક્રમમાં પોલીસ બંદોબસ્ત નહીં મળતા કામગીરી મોકૂફ
Vadodara : વડોદરા શહેરમાં ચારે બાજુએ રોડ રસ્તા અને અંતરિયાળ રોડ રસ્તા પર ગેરકાયદે દબાણો માથાના દુખાવારૂપ બન્યા છે. લોકોને ચાલવાની જગ્યા નથી અને વાહનચાલકોને પણ સલામત રીતે વાહન ચલાવવું ખૂબ અઘરું પડે છે. જ્યારે બીજી બાજુ પાલિકા તંત્રની દબાણ શાખા પણ ગેરકાયદે દબાણનો સફાયો કરવા રોજે રોજ જુદા-જુદા વિસ્તારને ટાર્ગેટ કરે છે. પરંતુ દબાણ સફાયા વખતે તંત્રને પોલીસ બંદોબસ્તની ખાસ જરૂર પડે છે. આમ છતાં શહેરમાં જુદા-જુદા કાર્યક્રમો હેઠળ બંદોબસ્તમાં પોલીસ રોકાયેલી હોવાથી દબાણ શાખાને રૂટિનમાં બંદોબસ્ત ફાળવી શકાતો નથી. પરિણામે દબાણ શાખાની સમગ્ર ટીમનો સ્ટાફ કામ ધંધા વિનાનો રહે છે. આમ દબાણ શાખાની ટીમ
સલામતીના ઇરાદે પોલીસ બંદોબસ્ત વિના દબાણ હટાવવા માટે જવા તૈયાર થતી નથી. પરિણામે દબાણ શાખાની ટીમનો સમગ્ર કાર્યક્રમ ફ્લોપ થાય છે. આજે દબાણ શાખાની ટીમનો કાર્યક્રમ ચાર દરવાજા વિસ્તાર સહિત સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર અને વાડી પોલીસ સ્ટેશન સહિત નવાપુરા વિસ્તારમાં દબાણ હટાવવાનો કાર્યક્રમ હતો. પરંતુ શિવાજી જયંતીના કારણે યોગ્ય પોલીસ બંદોબસ્ત નહીં મળવાથી દબાણ શાખાની ટીમ ઈંતજારમાં રહી હતી.