Get The App

વિશ્વામિત્રી નદી કાંઠે અગોરા મોલના ગેરકાયદે ક્લબ હાઉસ તોડતા ત્રણ દિવસ લાગશે : બીજે દિવસે કામગીરી યથાવત

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
વિશ્વામિત્રી નદી કાંઠે અગોરા મોલના ગેરકાયદે ક્લબ હાઉસ તોડતા ત્રણ દિવસ લાગશે : બીજે દિવસે કામગીરી યથાવત 1 - image


VMC Demolition at Agora Mall : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદી કાંઠે ગેરકાયદે બાંધેલા બાલાજી ગ્રુપના અગોરા મોલનું ક્લબ હાઉસનું 30,000 ચોરસ ફુટ બાંધકામ તોડવાની કામગીરી ત્રણ દિવસ સુધી ચાલશે. ગઈકાલથી શરૂ કરવામાં આવી છે જે આજે બીજા દિવસે પણ ચાલુ રહી છે જે આવતીકાલ સુધી ચાલું રહેશે. જ્યારે અગોરા મોલની રીટનિંગ વોલની સ્ટેબિલિટીની ચકાસણી કર્યા બાદ તે તોડવી કે કેમ તે અંગે નિર્ણય લેવાશે.

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠા પર કોર્પોરેશને ખાનગી કંપની અને ડ્રોન દ્વારા બાંધકામ અંગેનો સર્વે કરાવવામાં આવ્યો હતો. જેનો અહેવાલ તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરને સુપ્રત કર્યો હતો. ત્યારબાદ આ મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો. સયાજીગંજના ધારાસભ્ય કેયૂર રોકડિયાએ નદી કાંઠાના ગેરકાયદે બાંધકામ અંગે માર્ગદર્શન માગ્યું હતું, તે આધારે મુખ્યમંત્રીએ પણ દબાણો તોડવા કમિશનરને સૂચના આપી હતી. ત્યારબાદ 13 ગેરકાયદે બાંધકામને કોર્પોરેશને નોટિસ ફટકારી હતી અને 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.

સમા વિસ્તારમાં બાલાજી ગ્રુપ દ્વારા બાંધવામાં આવેલા અગોરા મોલનું ક્લબ હાઉસનું 30,000 ચોરસ ફુટનું બાંધકામ તોડવાની કામગીરી વડોદરા કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી હતી. જે આજે બીજા દિવસે પણ ચાલું રહી છે. જ્યારે હવે રિટનિંગ વોલ બાંધીને નદીના પટમાં અંદાજે 15 થી 20 મીટર સુધી પૂરાણ કર્યું છે તે હવે દિવાલ તોડવી કે કેમ તે અંગે કેબિલિટી રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે યાદ આપવું જરૂરી છે કે, રાજ્ય સરકારે રૂા.1200 કરોડ વિશ્વામિત્રી પ્રોજેકટ માટે ફાળવ્યા છે. તેને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા ખાનગી કંપની અને ડ્રોન દ્વારા સર્વે કરવાની કામગીરી થઇ હતી. તાજેતરમાં ખાનગીના કર્મચારીઓની અલગ-અલગ ટીમોએ હરણીથી લઈ મુજમહુડા સુધી સર્વે કર્યો હતો. સર્વે કર્યા બાદ મ્યુનિ.કમિશનરે બેઠક યોજી આગળની પ્રક્રિયા અંગે ચર્ચા વિચારણા કરી હતી.

સર્વે બાદ 13 દબાણો જણાઈ આવ્યા હતા. જેને ધ્યાનમાં રાખી સમગ્ર માહિતી મેળવી સયાજીગંજના ધારાસભ્ય કેયૂર રોકડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂ મળી જે રીતે દ્વારકા, સોમનાથમાં બુલડોઝર ફેરવ્યું હતું તે રીતે વડોદરાના કાંઠા વિસ્તારના ગેરકાયદે બાંધકામો તોડી નાંખવા રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીએ મ્યુનિ. કમિશનર દિલીપ રાણાને સર્વેની થયેલી કામગીરી પ્રમાણે દબાણો તોડવા સૂચના આપી હતી.


Google NewsGoogle News