મવડીમાં રૂ।. 35 કરોડની સરકારી જમીન પર મકાનોનું ડિમોલીશન
બપોર બાદ પણ ડિમોલીશન જારી રહ્યું, 45 મકાનો તોડાયા : શહેર આસપાસની જમીનો પરથી મકાનો તોડવા સાથે પ્રાંત અધિકારી વિરાણી સ્કૂલ મેદાનની અબજોની જમીન પણ ખુલ્લી કરાવે તે જરૂરી
રાજકોટ, : રાજકોટમાં જિલ્લા કલેક્ટરના તંત્ર દ્વારા શહેરમાં અને શહેરની ભાગોળે આવેલી સરકારી ખરાબાની જમીનો કે જેના ભાવ આજે આસમાનને આંબ્યા છે તે ખુલ્લા કરાવવા ચાલતી ઝૂંબેશ અન્વયે આજે મવડી ગામમાં આશરે રૂ।. 35 કરોડની કિંમતની 2500 ચો.મી.જમીન પરના મકાનો તોડી પાડીને જમીન ખુલ્લી કરાવી છે.
આ અંગે રાજકોટ દક્ષિણ મામલતદાર એલ.બી.ઝાલા તથા નાયબ મામલતદાર,તલાટી વગેરેએ પોલીસના ચૂસ્ત બંદોબસ્ત સાથે મવડી વિસ્તારમાં પૂષ્ટિવાટિકા પાસે એંસી ફૂટના રોડ પર સર્વે નં. 194 પૈકીની આશરે રૂ।. 17 કરોડની 2500 ચો.મી.જમીન ઉપર બપોરે એક વાગ્યા સુધીમાં દબાણ હટાવ્યા બાદ તે વિસ્તારમાં આશરે રૂ।. 18 કરોડની કિંમતની ૩૦૦૦ ચો.મી. ઉપરથી ૪૫ કાચા-પાકા મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયા હતા. અને સાંજ સુધીમાં રૂ।.૩૫ કરોડની ૫૫૦૦ ચો.મી.જમીન ખુલ્લી કરાવાયાનું જણાવાયું છે.
રાજકોટમાં વિતેલા વર્ષોમાં સરકારી તંત્રની ઢીલી નીતિ જોઈને ઠેરઠેર દબાણો ખડકાઈ ગયા છે અને તંત્ર આ દબાણો હટાવે છે ત્યારે ત્યાં ફરી દબાણ ન થાય અને ખુલ્લી થતી જમીનનો જાહેરજનતાના હિત માટે ઉપયોગ થાય તેવા પ્રયાસો સાથે કરવાની માંગ પણ ઉઠી છે. દરમિયાન પ્રાંત અધિકારી ચાંદની પરમારના માર્ગદર્શનમાં આવી જમીનો પરથી દબાણો હટાવાય છે ત્યારે શહેર મધ્યે ખુલ્લી જમીનની પર્યાવરણ માટે ખૂબ જરૂરી હોવા છતાં અને આ અધિકારીએ સરકારની ઠરાવેલી વિરાણી હાઈસ્કૂલ મેદાનની અબજો રૂ।.ની જમીન ખુલ્લી કરાવાઈ નથી.