જામનગરમાં રણજીતસાગર રોડ પરથી બારિયાપીરની દરગાહનું ડીમોલિશન: વહીવટી તંત્રની મોડી રાત્રે કાર્યવાહી
જામનગર શહેરમાં લાલપુર બાયપાસ નજીક આવેલી પ્રખ્યાત બારિયાપીરની દરગાહ પર મોડી રાત્રે વહીવટી તંત્ર દ્વારા ડીમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભારે પોલીસ બંદોબસ્તની હાજરીમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, અને ધાર્મિક સ્થળનું બાંધકામ દૂર કરીને જગ્યા ખુલ્લી કરાવાઈ છે. આ કાર્યવાહી દરમિયાન જામનગર જિલ્લાના એસપી, ગ્રામ્ય ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
જામનગરના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત એસ્ટેટ શાખાની દબાણ હટાવ શાખાની ટીમ પણ જોડાઈ હતી. જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 16માં રણજીત સાગર રોડ પર રેવન્યુ સર્વે નંબર 860 તેમજ રેવન્યુ સર્વે નંબર 928 વચ્ચેની ગાડા માર્ગ તરીકે ઓળખાતી જગ્યા કે જે જગ્યા ઉપર ઘણા વર્ષો પહેલા સૌપ્રથમ નાની મજાર નું ગેરકયદે બાંધકામ કરી લેવાયું હતું.
ત્યારબાદ તબક્કાવાર ધીમે ધીમે તેમાં દબાણ વધતું ગયું હતું, અને છેલ્લા બે ત્રણ વર્ષ દરમિયાનમાં મોટી દરગાહ બનાવી લેવામાં આવી હતી. હજરત અહેમદશાપીર નામની દરગાહ નું બાંધકામ દૂર કરી લેવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા 2022માં સૌપ્રથમ નોટિશ ફટકારી હતી, પરંતુ જગ્યા ખુલ્લી કરવા ને બદલે તેમાં દબાણ વધતું જતું હતું.
દરમિયાન આજે આખરે જામનગર મહાનગરપાલિકા દ્વારા ઉપરોક્ત જગ્યા ખાલી કરાવવા માટે નો આદેશ કર્યો હતો. જેની ગઈકાલે મોડી રાત્રે અમલવારી કરવામાં આવી હતી ,અને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ રાત્રિના 12:30 વાગ્યાના સમયથી હાજર રહ્યા હતા. તેઓની સાથે ડીએમ.સી. શ્રી ઝાલા તેમજ દબાણ હટાવ શાખાના અધિકારી સુનિલ ભાનુશાળી અને તેઓની ટીમ હાજર રહી હતી, અને ધાર્મિક સ્થળનું તમામ બાંધકામ દૂર કરી લઇ આશરે 2600 ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી રાત્રિના 12:30વાગ્યાથી લઈને છેક સવારે 09:00 વાગ્યા સુધી ડીમોલેશન કાર્ય ચાલુ રહ્યુ હતું. અને તમામ અધિકારીઓ સહિતની હાજરીની વચ્ચે રાત્રે વચ્ચે સમગ્ર ઓપરેશન પાર પાડી લેવાયું હતું.